રાજકોટ44 મિનિટ પહેલા
- કૉપી લિંક

વિદ્યાર્થીના પિતાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી (ફાઈલ તસવીર)
રાજકોટના ઈન્દ્રપ્રસ્થનગરમાં આવેલી ઉત્કર્ષ સ્કૂલ ઓફ એક્સલન્સમાં ધો.11 સાયન્સના વિદ્યાર્થી સાથે સહપાઠીએ બેંચ પર બેસવા મુદ્દે માર માર્યાની ઘટના સામે આવી છે. એડવોકેટ પુત્રને સાથી વિદ્યાર્થીએ હોઠ પર માર મારતા મોઢા પર ઈજા પહોંચી છે. તેમજ હાથનું હાડકું ખડી ગયાનું જાણવા મળ્યું છે. આથી વિદ્યાર્થી સ્કૂલમાં જ અર્ધબેભાન થઇ ઢળી પડ્યો હતો. બનાવ અંગે એડવોકેટે પુત્રને માર મારનાર સહપાઠી સામે એ ડિવિઝન પોલીસ મથકમાં કરિયાદ નોંધાવી છે.
પુત્ર કણસતી હાલતમાં બેંચ પર અર્ધબેભાન પડ્યો હતો
પોલીસ ફરિયાદ મુજબ ભક્તિનગર સર્કલ નજીક ધર્મજીવન સોસાયટીમાં રહેતા એડવોકેટ કુમારભાઇ રસિકલાલ પંડ્યાનો પુત્ર ઉત્કર્ષ સ્કૂલમાં ધો.11 સાયન્સમાં અભ્યાસ કરે છે. ગત 6 માર્ચના રોજ સવારે 11 વાગ્યા આસપાસ સ્કૂલના શિક્ષિકા પરિતાબેનનો એડવોકેટ કુમારભાઇને ફોન આવ્યો હતો કે, તમારા પુત્રને હાથમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો છે, આવીને તેને હોસ્પિટલે લઈ જાવ. આથી કુમારભાઈ પત્ની સાથે સ્કૂલે પહોંચતા પુત્ર કણસતી હાલતમાં બેંચ પર અર્ધબેભાન પડ્યો હતો અને તુરંત જ ગ્લુકોઝવાળું પાણી પીવડાવ્યું હતું. બાદમાં સારવાર માટે મધુરમ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. અહીં ઓર્થોપેડિક તબીબે જમણા હાથનું ખભાનું હાડકું ખસી ગયું હોવાનો રિપોર્ટ આપી ઓપરેશન રૂમમાં લઇ ગયા હતા.
‘કોઈને કાંઈ કહીશ તો જાનથી મારી નાખીશ’ની ધમકી આપી
બીજા દિવસે 7 માર્ચના રોજ પુત્રએ માતા-પિતાને જણાવ્યું હતુ કે, ગઈકાલે સવારે 10:30 વાગ્યે રિસેસ બાદ હું બેંચ પર મારી જગ્યાએ હતો ત્યારે ક્લાસમાં સાથે અભ્યાસ કરતો મારો સહપાઠી આવ્યો હતો. અહીં જગ્યાએથી ઊભો થઇ જા, મારે ત્યાં બેસવુ છે કહી મોઢા પર માર માર્યો હતો અને વાળ ખેંચીને માથું વારંવાર બેંચ સાથે અથડાવ્યું હતું. તેમજ જમણા હાથ પર ખૂબ જ માર માર્યો હતો. માર માર્યા બાદ ધમકી આપી કે, જો તું તારા મમ્મી-પપ્પા કે કોઈને કાંઇ પણ કહીશ તો જાનથી મારી નાખીશ. આથી હું ડરી ગયો હતો અને જે-તે સમયે વાત કરી ન હતી.
આરોપી વિદ્યાર્થી સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ
સ્કૂલમાં પુત્ર પર બનેલી ઘટનાના આધારે એડવોકેટ કુમારભાઈ પંડ્યાએ ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી વિદ્યાર્થી સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.