સુરેન્દ્રનગર14 મિનિટ પહેલા
- કૉપી લિંક

‘મન હોય તો માળવે જવાય’ એ ઉક્તિને મજબુત મનોબળના યુવાને યથાર્થ ઠેરવી છે. આ ખેડૂત પુત્રએ 2008માં એક પણ રૂપિયો લીધા વગર ઘર છોડી દેનારો યુવાન આજે ચાર સ્કુલો શરૂ કરી 2200થી વધુ વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણનું ભાથુ પુરૂ પાડે છે. રણકાંઠાના જતવાડ પંથકમાં સ્કુલ શરૂ કરવાની હિંમત કરનાર આ યુવાન આજે સુરેન્દ્રનગર જિલ્લામાં પોતાની ચાર સ્કુલો ચલાવે છે. આ યુવાનનો એક નાના છોડ સમો સુક્ષ્મ પ્રયાસ આજે વિરાટ વૃક્ષ સમો બની ગયો છે.

1996માં નાના એવા ગામડામાં ખેડૂતના ઘરે જન્મેલા ચંદ્રકાન્ત મહાદેવભાઇ પટેલે ગામની સરકારી શાળામાં જ પ્રાથમિક શિક્ષણ લીધા બાદ સુરેન્દ્રનગર બોર્ડીંગ સ્કુલમાં માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યા બાદ અમદાવાદ એચ.કે.કોલેજમાં મનોવિજ્ઞાન સાથે બી.એ.અને સાયકોલોજી વિષય સાથે એમ.એ.સુધીનું શિક્ષણ મેળવ્યું હતુ. ત્યારબાદ સુરેન્દ્રનગરના વિવિધ ટ્યુશન ક્લાસિસમાં કલાકના રૂ. 30થી 40ના વેતન સાથે બાળકોને શિક્ષન આપવાની શરૂઆત કરી હતી.

ત્યારબાદ 2003થી 2009 એમ કુલ છ વર્ષ સંસ્કારધામ ગુરૂકુલ બ્રહ્માનંદ વિદ્યાલયમાં ત્રણ વર્ષ શિક્ષક અને ત્રણ વર્ષ સુધી આચાર્ય તરીકે ફરજ બજાવવાની સાથે અભ્યાસ કરી બી.પી.એડ અને એલ.એલ.બી.ની ડીગ્રી મેળવી હતી. ત્યારબાદ જૂન 2009માં પાટડી તાલુકાના રણકાંઠાના જતવાડ વિસ્તારમાં કે જ્યાં કોઇ નવુ સાહસ કરવાની હિંમત ના કરે એ વિસ્તારમાં માલવણ ગામે ઓમ શાંતિ વિદ્યાલય નામની સ્કુલ શરૂ કરી અને ધીમે ધીમે માલવણ સહિત આજુબાજુના 22 ગામડાઓના મળીને 500થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણનું ભાથું મેળવતા થયા હતા.

ત્યારબાદ 2014માં રાજચરાડી ખાતે, જૂન 2018માં સુરેન્દ્રનગર ખાતે અને 2021માં રાજસિતાપુર ખાતે નવી શાળાની શરૂઆત કરી હાલમાં આ ચારેય શાળાઓમાં મળીને કુલ 2200થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણનું ભાથું મેળવી રહ્યાં છે. હાલમાં ચંદ્રકાન્ત પટેલ નામનો ખેડૂત પુત્ર હવે લખતરમાં પોતાની પાંચમી શાળા શરૂ કરવાની તૈયારીમાં લાગી ગયો છે. વધુમાં આ ચારેય શાળાના તમામ શિક્ષકો સહિતનો સ્ટાફ વ્યસનમુક્ત હોવાની સાથે યુનિફોર્મ સાથે શાળાને અને વિદ્યાર્થીઓને સંપૂર્ણ સમર્પિત છે. આ અંગે ખેડૂત પુત્ર ચંદ્રકાન્ત પટેલ જણાવે છે કે, જ્યારે પાટડી તાલુકાના માલવણ મુકામે જતવાડ પંથકમાં શાળા શરૂ કરવાની વાત ઘરમાં કરી ત્યારે ખુબ વિરોધ થયો હતો.





