સાબરકાંઠા (હિંમતનગર)15 મિનિટ પહેલા
- કૉપી લિંક
હિંમતનગરમાં રાજ્યના મુખ્યમંત્રીના આગમન સમયે મોતીપુરા માર્ગ પર રવિવારે ગાંધીજીની પ્રતિમા આગળ જિલ્લા કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ સંકલ્પ ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ધરણા કરવા જતા 37 કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોને બી ડીવીઝન પોલીસ દ્વારા ડીટેન કરવામાં આવ્યા હતા અને ચાર કલાક બાદ છોડી મુકવામાં આવ્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ગાંધીજીની પ્રતિમા આગળ જિલ્લા કોંગ્રેસ દ્વારા રવિવારે સવારે 11 વાગે સત્યાગ્રહ સંકલ્પ ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ હિંમતનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોતીપુરા વિસ્તારમાં આજ માર્ગ પર થઈને પસાર થવાના હતા. જેને લઈને પોલીસે સવારથી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. દરમિયાન પોલીસે સવારે 10 વાગ્યાથી સત્યાગ્રહ સંકલ્પ ધરણા કાર્યક્રમમાં જતાં જિલ્લા પ્રમુખ સુરેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, કમલબેન પરમાર, જ્યોતિબેન દવે, જિલ્લા ઉપપ્રમુખ, ભીખાભાઈ પટેલ, ઈશ્વરભાઈ દેસાઈ સહીત હોદ્દેદારો અને આગેવાનો અને કાર્યક્રતોને એક પછી એક કાર્યક્રમ કરવા જતાં પોલીસે પકડીને બી ડીવીઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. જ્યાં કાર્યકર્તા અને હોદ્દેદારો સુત્રોચ્ચાર કાર્ય હતા. તો મુખ્યમંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરે 1:30 વાગ્યે તમામ ડીટેન કરેલ 37 જણાને છોડી મુકવામાં આવ્યા હતા.
આ અંગે બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.વી.જોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના સત્યાગ્રહ સંકલ્પ ધરણા કાર્યક્રમ કરવા જતા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મળી 37 જણાને ડીટેન કર્યા હતા અને બપોરે 1:30 વાગ્યે તમામને છોડી મુકવામાં આવ્યા છે.
કોંગ્રેસના જનરલ મંત્રીને શનિવારે સાંજથી ડીટેન કર્યા
હિંમતનગરના પોલીટેકનીક ચાર રસ્તા હાઈવેથી નવી સિવિલ જવાના માર્ગ પર ખાડા પડી ગયા હોવાને લઈને એમ્બ્યુલન્સ વારંવાર પસાર થાય છે. ત્યારે રોડ પરના ખાડામાં એમ્બ્યુલન્સ પટકાતા દર્દી અને અને વાહને નુકશાન થાય છે. જેથી જિલ્લા કોંગ્રેસના જનરલ મંત્રી કુમાર ભાટે અલગ અલગ જગ્યાએ લેખિત રજૂઆત કરી રોડ બનાવવા માગ કરી હતી. પરંતુ રોડ નહિં બનતા રોડ બનાવવાની માગ સાથે હિંમતનગર આવતા રાજ્યના મુખ્યમંત્રીનો કાળા વાવટા બતાવી વિરોધ કરવા માટેની પોસ્ટ વીડીયો સાથે સોશ્યલ મીડિયામાં વાયરલ કરી હતી. જેને લઈને હિંમતનગર બી ડીવીઝન પોલીસે કુમાર ભાટને શનિવારે સાંજે તેના ઘરેથી ડીટેન કર્યા હતા અને રવિવારે બપોર બાદ બે વાગ્યા છોડી મુકવામાં આવ્યા હતા.