અમદાવાદ21 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. જો કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 402 કેસ નોંધાયા છે. જેની સામે 162 દર્દીઓ સાજા થયા છે અને હાલ ચાર દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. તો બીજી તરફ 10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત બાદ 21 માર્ચે ભરૂચના ઝઘડિયામાં કોરોનાના કારણે 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્યારબાદ 22 માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકના મોત બાદ 23 માર્ચે અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું છે. ત્યારે આજે રાજ્યમાં બે દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં એકનું મોત છે જ્યારે કચ્છમાં એક દર્દીનું મોત છે.
રાજ્યમાં કોરોનાના કુલ 1529 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1529 એક્ટિવ કેસ છે. જેમાંથી 07 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 1522 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,67,581 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11052 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 220 કેસ
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 220 કેસ નોંધાયા છે. 83 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ અને કચ્છમાં એક-એક દર્દીના મોત થયા છે. ત્યારબાદ રાજકોટમાં 40 નવા કેસ સામે આવ્યા છે. સુરતમાં 32 કેસ નોંધાયા છે. મોરબીમાં નવા 18 કેસ સામે આવ્યા છે. અમરેલીમાં 15 નવા કેસ નોંધાયા છે. મહેસાણામાં 12 કેસ, વડોદરામાં નવા 23 કેસ સામે આવ્યા છે. સાબરકાંઠામાં 9 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 8 કેસ સામે આવ્યા છે. જ્યારે વલસાડમાં 5 કેસ, ભરૂચમાં 3 કેસ, જામનગરમાં 3 કેસ, આણંદમાં 2 કેસ, ભાવનગરમાં 3 કેસ, બનાસકાંઠામાં 1 કેસ, દાહોદમાં 1 કેસ અને પોરબંદરમાં 1 કેસ નોંધાયા છે.
વડોદરામાં વધુ 12 કેસ નોંધાયા, 4 દર્દી ઓક્સિજન પર
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં કોરોનાના આજે વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 101,004 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. આજે વધુ 5 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 100,400 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 60 ઉપર પહોંચ્યો છે.
આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
વડોદરા શહેરના અકોટા, તાંદલજા, ગોત્રી, મકરપુરા, સુભાનપુરા, સમા અને માણેજા વિસ્તારમાં આજે કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે. કુલ 456 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 12 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક્ટિવ 60 કેસ પૈકી 56 દર્દી હોમ આઇસોલેશનમાં છે અને 4 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. હાલ ચારેય દર્દી ઓક્સિજન છે. જ્યારે 44 લોકો હોમ ક્વોરન્ટીન છે.