આણંદ37 મિનિટ પહેલા
- કૉપી લિંક

આંકલાવના ભેટાસી ગામ પાસેથી પસાર થતાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે રાખેલા લોખંડની સામાનની ચોરી કરતી ગેંગને સ્થાનિક પોલીસે પકડી પાડી હતી. આ ગેંગ ટ્રેક્ટરમાં લોખંડનો સામાન ભરી જઇ રહ્યો હતો. જેથી પોલીસે ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
આંકલાવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એમ. રાણા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી આધારે અંબાલી ચોકડી ખાતે વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન ટ્રેક્ટર નં.જીજે 23 સીસી 7470 તથા બાઇક નં.જીજે 23 ડીસી 7814 આવતા શંકા આધારે તેને રોકવામાં આવ્યાં હતાં. ટ્રેક્ટરમાં તપાસ કરતાં લોખંડના સળીયાના ટુકડાઓ 620 કિલો, ઇલેક્ટ્રીક ગ્રાઇન્ડર મશીન, ગ્રાઇન્ડર બ્લેડ સહિત લોખંડની વસ્તુઓ મળી આવી હતી.
આ અંગે ચાલકની પુછપરછ કરતાં સંતોષકારક જવાબ આપી શક્યા નહતાં. આખરે આગવી ઢબે પુછપરછ કરતાં આ સામાન ભેટાસી નવી બનતી રેલવે લાઇનના બાંધકામવાળી જગ્યાએથી લોખંડની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. આ અંગે પોલીસે કુલ પાંચ વ્યક્તિની અટક કરી હતી. જે કલ્પેશ કાનજી રાજ (રહે.ભાણપુરા), સંજય નટુ પરમાર, પ્રકાશ શંકર પરમાર, તારીકહુસેન લીયાકતઅલી સૈયદ, અરબાઝ અતાઉલ્લા પઠાણ (રહે. રબારી ચકલા, બોરસદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસેથી ટ્રેક્ટર, બાઇક, લોખંડનો સામાન, રોકડ રૂ.9350 મળી કુલ રૂ.6,88,050નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.