વડોદરા22 મિનિટ પહેલા
- કૉપી લિંક
ઇજાગ્રસ્ત વૃદ્ધા.
વડોદરાના વારસિયા વિસ્તારમાં ઘર નજીક સોસાયટીમાં આંટા મારતા 86 વર્ષીય વૃદ્ધાને ગાયે શિંગડું મારતા પટકાયેલા વૃદ્ધાને માથામાં ઇજા પહોંચી હતી. જેમને SSGમાં ખસેડાયા હતા. સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, વૃદ્ધા મંદિરેથી આવતા હતા અને ભેટી મારતા તેઓ પડી ગયા હતા. એ સમયે તો તેઓ બોલી પણ શકતા નહોતા. લોહી એટલું બધુ નીકળતું અને તેમને ચક્કર આવતા હતા. અમે એમને પકડી રાખ્યા, ત્યારે તેઓ બેસી શક્યા હતા. છોકરાઓ બહાર રમતા હોય અને સામેથી ઢોર આવતા હોય છે. તમે ઢોરને રખડતા મૂકી દો, પછી તેને જૂઓ તો ખરા. આજે વૃદ્ધાને વાગ્યું, કાલે બીજા કોઈને વાગશે.
20 દિવસમાં રખડતા ઢોરથી 5 લોકો ઈજાગ્રસ્ત
વડોદરા શહેરમાં 20 જ દિવસમાં રખડતા ઢોરને પગલે ઈજા થવાના 5 બનાવો નોંધાયા છે. જેમાં ફતેપુરા મંગલેશ્વર ઝાંપા પાસે 5 માર્ચે વૃદ્ધને ગાયે શિંગડું મારતાં સયાજીમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ નાગરવાડામાં વૃદ્ધાને અડફેટે લેતા તેમને પણ હાથે ફ્રેક્ચર થયું હતું. જ્યારે 12 માર્ચે સમા કેનાલ પાસે બે વાહન ચાલકોને ગાયને પગલે અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ કારેલીબાગ વિસ્તારમાં સોમવારે રાત્રે એક્ટિવા ચાલ્યા વૃદ્ધને ગાયે અડફેટે લેતાં આજના બનાવ સાથે 10 દિવસમાં 5 બનાવો નોંધાયા છે.
રખડતી ગાય.
શિંગડું મારતા વૃદ્ધા પટકાયા
વારસિયા પોલીસ મુજબ, વારસિયા વિસ્તારની શ્રદ્ધા પાર્કમાં રહેતા હીરાબા પવાર શુક્રવારે સવારે 10 વાગે ઘર પાસે આંટા મારતા હતા, ત્યારે રખડતી ગાય પૈકી એક ગાય તેમને પાછળના ભાગે શિંગડું મારતા તેઓ જમીન પર પટકાયા હતા. જેને પગલે તેમને માથામાં ઇજાઓ પહોંચી હતી. જો કે, તેમણે પોલીસને કોઈ પણ પોલીસ કાર્યવાહી કરવાની ઈચ્છા જતાવી નહોતી, જેથી પોલીસે માત્ર નોંધ કરી સંતોષ માન્યો છે. બીજી તરફ શહેરમાં નવા મેયરે આ વિષયને ગંભીરતાથી લેવાની વાતો કરી હતી. પરંતુ રખડતા ઢોરના પ્રશ્નનો ક્યારે વાસ્તવિક ઉકેલ આવશે તે જણાતું નથી. નવા મેયર આવ્યા બાદ પણ ઘટનાઓમાં વધી રહી છે.
3.10 કરોડના ખર્ચે નવા વાહનો ખરીદશે
પાલિકા રખડતા ઢોર માટે 6.70 કરોડના નવા ઢોરવાડા બનાવી ઢોર પકડવા 3.10 કરોડના ખર્ચે નવા વાહનો ખરીદશે. પરંતુ રખડતા ઢોરમાંથી શહેરીજનોને મુક્તિ ક્યારે મળશે તેનો જવાબ કોઈ પાસે નથી.
કોર્પોરેશન દ્વારા થતી પોલીસ ફરિયાદ બંધ
વડોદરા શહેરમાં રખડતા ઢોરને પગલે નાગરિકોને ઈજા પહોંચવાની ઘટનાઓમાં ઢોર માલિકો સામે કોર્પોરેશન દ્વારા પોલીસ ફરિયાદ કરવાનું શસ્ત્ર ઉગવામાં આવ્યું હતું. પરંતુ, કેટલાક સમયથી આ ફરિયાદો કોર્પોરેશને બંધ કરી છે. આ અંગેનું ચોક્કસ કારણ જણાવ્યું નથી. મેયરે ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ દિવસે રખડતા ઢોરનો મુદ્દો ગંભીરતાથી લેવાશે તેમ કહ્યા બાદ તેમની આ વિષયે કોઈ પ્રતિક્રિયા આવતી નથી.