કચ્છ (ભુજ )એક કલાક પહેલા
- કૉપી લિંક

ભૂજ શહેરના મુખ્ય માર્ગે આવેલી અદાણી સંચાલિત જીકે જનરલ સરકારી હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર સામે ગોઠવાઇ ગયેલા વિવિધ ધંધાર્થીઓના લારી ગલ્લાઓને આજે નગરપાલિકા કચેરી દ્વારા પૂર્વ નોટિસ અંતર્ગત દૂર કરવામાં આવ્યાં હતા. દિવસ રાત ટ્રાફિકની અવરજવર ધરાવતી હોસ્પિટલ સામેના પૂટપાથ પર રહેલા ઠંડા પીણાં અને પાન બીડી સહિતના દબાણો વાહન વ્યવહારને નડતર કરતા હોઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ખસેડવામાં આવ્યાં હોવાનું સુધારાઈ દ્વારા જણાવાયુ હતું. જ્યારે 12થી 15 જેટલા દબાણો દૂર કરાતા લારિધારકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. જોકે, લોકોને પોલીસે અટકાયત કરી લઈ મામલો થાળે પાડ્યો હતો.

ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલની અધ્યક્ષતામાં જીકે હોસ્પિટલ સામેના દબાણો પોલીસ બંદોબસ્ત હેઠળ દૂર કરવાની કામગીરી પાર પાડવામાં આવી હતી. આ વેળાએ લારિધારકો વતી શેરી ફેરિયા મંડળના મહંમદ લાખાએ ઉગ્ર સ્વરે તંત્ર સામે આક્ષેપો કરી નિયમ વિરુદ્ધની કામગીરી કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. અલબત્ત સુધારાઈ પ્રમુખ ઘનશ્યામ ઠક્કર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે નિયમુસાર દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. G20 બેઠક પૂર્વે પણ અહીંના દબાણો દૂર કરાયા હતા, જે ફરી ગોઠવાઈ જતા ટ્રાફિકને અડચડ રૂપ હોઈ અન્યત્ર ખસી જવાની નોટિસ પાઠવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.