અંબાજી6 કલાક પહેલા
સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિર કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે મા અંબાના ચરણે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો આવી દર્શન કરતા હોય છે. મા જગતજનની અંબાના મંદિરમાં પરંપરાગત વર્ષોથી ચાલતો આવતો શુદ્ધ ઘીમાં બનેલો મોહનથાળ પ્રસાદને બંધ કરાતા સમગ્ર દેશ દુનિયામાં ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આઠ દિવસથી અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ થતા ભક્તોએ સ્વૈચ્છિક રોજ 200 કિલો મોહનથાળ બનાવી નિ:શુલ્ક ભક્તોને આપવાનો નિર્ણય કર્યો છે.

ત્યારે આજે ત્રીજા દિવસે પણ ભક્તો દ્વારા મોહનથાળ બનાવી અંબાજી મંદિરમાં નિ:શુલ્ક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવ્યો હતો. ભક્તોએ જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર અને સત્તાધિકારીઓ દ્વારા મોહનથાળ પ્રસાદને બંધ કરવાનો નિર્ણય ખોટો છે. માતાજીના મંદિરમાં ફરીથી મોહનથાળ પ્રસાદ શરૂ કરાય તેવી માગ પણ કરી હતી. તો સાથે સાથે આ નિર્ણયો લેવા વાળાને માતાજી સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

અંબાજી મંદિરમાં મોહનથાળ બંધને લઈ આઠ દિવસ હોવા છતાં હજી મોહનથાળ વિવાદનો અંત આવ્યો નથી. ત્યારે દરેક હિન્દુ સંગઠન સાથે ભક્તો મોહનથાળ બંધ ના વિરોધમાં નારાજગી દર્શાવી રહ્યા છે. તો અંબાજીમાં આવતા તમામ ભક્તો મોહનથાળ બંધને લઈ પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પરંપરાગત 500 વર્ષ કરતા વધુ સમયથી મોહનથાળ પ્રસાદ એકાએક બંધ કરવાના નિર્ણયના વિરોધમાં 11/03/2023ના રોજ સવારે 10થી 12 વાગ્યે શનિવારના રોજ વિહિપ ક્ષેત્ર મંત્રી અશોકભાઈ રાવલના નેતૃત્વમાં અંબાજીમાં ધરણાં યોજાશે. તો સાથે સાથે જગતજનની મા અંબાના ધામમાં પરંપરાગત મોહનથાળના સમર્થનમાં સાથે જોડાવા માટે તમામ પગપાળા યાત્રા સંઘો, મંદિરો, પૂજ્ય સંતો તથા ભાવિ ભક્તોને આવવાનું આહવાન પણ આપ્યું છે.

