અમરેલી43 મિનિટ પહેલા
- કૉપી લિંક

એન.સી.ઈ.આર.ટી. ભોપાલ ખાતે પ્રોફેસર ડોક્ટર સુરેશ મકવાણાની અધ્યક્ષતામાં લુપ્ત થતા લોકવાદ્યની કાર્યશાળા યોજવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના લોકવાદ્ય કલાકારોએ હાજરી આપી હતી.

કાઠીયાવાડ/સૌરાષ્ટ્રના પરંપરાગત જુનવાણી લોકવાદ્ય જેવા કે ઢોલ, શરણાઈ, રાવણ હથો, ડાકલુ, એકતારો, ભુંગળ, જોડિયાપાવા, ઝાંઝ તેમજ કચ્છ પ્રદેશના મોરચંગ, સંતાર, નોબત-શરણાઈ, ઢોલક, મંજીરા, જાંજ, ઘડો-ઘમેલો જેવા અનેક પ્રાચીન લોકવાદ્યો આપણા ભજન, સંતવાણી, ઉત્સવ લોકડાયરા, રાસ ગરબા, વરઘોડા, ફુલેકા, સામૈયા, લગ્ન, હોળી, નવરાત્રી, મેળા, ભવાઈ તેમજ સામાજિક પ્રસંગોમાં વગાડવાની વર્ષો જૂની પરંપરા રહી છે.
આ લોકવાર્દ્યોને વગાડનાર લોકકલાના આપણા કસબીઓ પણ વર્ષોથી પોતાના વંશ પરંપરાગત પેઢી દર પેઢી એક વ્યવસાઈ તરીકે અપનાવીને આજે પણ પોતાની લોકકલાઓ અને લોકવાર્દ્યો વગાડતા રહ્યા છે. રાષ્ટ્રીય કક્ષાની આ કાર્યશાળામાં નિષ્ણાંત-તજજ્ઞ તરીકે અમરેલીના કલા વિભાગના પ્રોફેસર અને કલાકાર ભરતભાઈ અગ્રાવત તથા રાઘવજીભાઈ માધડ સાહિત્યકાર, પ્રોફેસર નૈષધભાઈ મકવાણા- કવિ પૂર્વ ડી..ઈ.ઓ તથા રમેશભાઈ ચૌધરી, રાકેશ રાવત ઉપસ્થિત રહીને આ કાર્યશાળામાં અમરેલી જિલ્લાના લોકવાદ્ય કલાકારો શ્વિપુલભાઈ ભટ્ટી(રાવણ હથો) ચિરાગ શિંગાળા(ઢોલ વાદન) દેવકુભાઇ રાઠોડ (શરણાઈ વાદન) સાથે લુપ્ત થતા લોકવાદ્યની પ્રસ્તુતિ કરી હતી અને તેમની ફિલ્મ પણ બનાવેલી છે.
‘ભોપાલ’ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના લુપ્ત થતા લોકવાદ્યની કાર્યશાળા યોજીને એન.સી.ઈ.આર.ટી.એ ખૂબ જ મહત્વનું કાર્ય હાથ ધર્યું છે. તો નવી શિક્ષણનીતિમાં પણ માતૃભાષાથી લઈને લુપ્ત થતા લોકવાર્દ્યોની વિરાસતને મહત્વ આપવામાં આવ્યું છે, તે આજના સમયમાં ખૂબ જ જરૂરી કાર્ય છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ માંથી કુલ 20 જેટલા કલાકારોએ પોતાની કલા અને લોક વાજિંત્રોની પાંચ દિવસ પ્રસ્તુતિ કરી હતી. કલા વિભાગના અધ્યાપક ભરતભાઈ અગ્રાવતે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર, કાઠીયાવાડમાં જૂની પરંપરાગત સંસ્કૃતિ તેમના લોકવાદ્યોના કારણે ખૂબ પ્રખ્યાત હતી, તે કાળક્રમે વિસરાતી જાય છે, આપણા આવા લોકવાદ્ય અને તેના વગાડનારા કલાકાર કસબીઓ હવે ભાગ્યે જ જોવા અને સાંભળવા મળે છે. જેનો ભવ્ય વારસો આજે ટકાવા માટે એન.સી.ઈ.આર.ટી. ભોપાલે ખૂબ સુંદર કાર્યશાળાનું આયોજન કર્યું છે.