અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદમાં પારિવારિક કલેહના બનાવો સતત વધી રહ્યાં છે. નાની નાની બાબતોમાં સંસાર તૂટવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે શહેરમાં ફરી એક એવો બનાવ સામે આવ્યો છે જેમાં પરીણિતાએ પતિ અને સાસરિયાઓના ત્રાસથી દવા પી લીધી હતી. ત્યાર બાદ તેણે પોલીસ ફરિયાદ કરી હતી.
અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે પરિણિતાના લગ્ન 2012માં સમાજના રીતરિવાજ મુજબ થયા હતાં. ત્યાર બાદ પરીણિતા સાસરિયે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના એક વર્ષ સુધી પતિ અને સાસરિયાઓએ તેને સારી રીતે રાખી હતી. ત્યાર બાદ નાની નાની વાતોમાં મ્હેણાં ટોણાં મારવાની વાત શરૂ થઈ હતી. સાસુ વારંવાર પતિને ચઢામણી કરીને પત્ની સાથે ઝગડા કરાવતી હતી. પત્નીને ઘર ખર્ચમાં વધુ પૈસા આપતાં નહોતા.
જ્યારે પત્નીને બાળકો થયાં ત્યારે તેને સ્કૂલે લેવા મુકવા જવા માટે વાહનમાં પેટ્રોલ માટેના પૈસા માંગવા પડતાં હતાં. સાસુ ઘરમાં પુરતા પૈસા આપતા નહોતા અને આપેલા પૈસાનો પણ હિસાબ માંગતા હતાં. તેના પતિએ પણ તેને ઘરમાં ગંદી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. એકવાર તો તેણે વાહનમાં પેટ્રોલ માટેના પૈસા માંગતાં તેની સાસુએ કહ્યું હતું કે, આટલું બધુ પેટ્રોલ ક્યાં બાળે છે હવે તને વાહન નથી આપવાનું.
ઘરમાં વધી રહેલા ત્રાસને લઈને પરીણિતાએ દવા પી લીધી હતી. ત્યાર બાદ પોલીસ ત્યાં પહોંચતા પરીણિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરીણિતાએ પોલીસને જણાવ્યું હતું કે, મારે સાસરી અને પિયરમાં જવું નથી હું નારી સંરક્ષણ ગૃહમાં રહેવા માંગુ છું. પોલીસે પરિણિતાની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.