રાજકોટ18 મિનિટ પહેલા
- કૉપી લિંક

મનોજ ઉર્ફે ભાણો ધીરૂ બાવસિયા
જસદણના વીરનગરમાં ભાજપના કાર્યકરને ગેરકાયદેસર હથિયાર સાથે રાજકોટ ગ્રામ્ય SOGએ ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં આ શખ્સે જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ સાથેની માથાકૂટમાં હથિયાર રાખ્યાનું રટણ કર્યું હતું.આ હથિયાર ક્યાંથી લાવ્યો તે બાબતે તેની વિશેષ પુછપરછ શરુ કરી છે.
દેશી પિસ્તોલ મળી
જસદણના આટકોટના વીરનગર ગામે રહેતો ભાજપના કાર્યકર મનોજ ઉર્ફે ભાણો ધીરૂ બાવસિયા નામના શખ્સ પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની જિલ્લાની એસઓજીને ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે SOGએ વીરનગર ગામે મનોજ ઉર્ફે ભાણાના ઘરે દરોડો પાડ્યો હતો.પોલીસને જોઈ મનોજ ઉર્ફે ભાણાએ ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ પૂર્વ તૈયારી સાથે દરોડાની કાર્યવાહી કરી હોય મનોજ ઉર્ફે ભાણાને તેના ઘરમાંથી ઝડપી લીધો હતો. તેની તલાશી લેતા મનોજ ઉર્ફે ભાણા પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી.

દેશી બનાવટની પિસ્તોલ
હુમલો કરે તેવો ડરથી હથિયાર રાખ્યું
જે અંગે પૂછપરછ કરતા ભાજપના કાર્યકર મનોજ ઉર્ફે ભાણોને જિલ્લા પંચાયત આટકોટના મહિલા સભ્યના પતિ પરેશ રાદડિયા સાથે સરપંચની ચૂંટણી સમયે માથાકૂટ થઇ હતી. જે માથાકૂટ બાદ હથિયાર સાથે રાખતો હોવાનું રટણ રટ્યું હતું. આ મામલે SOG રૂરલે આટકોટ પોલીસમાં આર્મ્સ એક્ટ ની કલમ 25(1-B)(A) અંતર્ગત ફરિયાદ નોંધાવી આરોપી સ્થાનિક પોલીસ હવાલે કર્યો છે. બનાવની વિશેષ પૂછપરછ કરવા આટકોટ પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
તારે જ્યાં છેડા અડાડવા હોય ત્યાં અડાડી લેજે
બીજી તરફ સમગ્ર મામલે પરેશભાઈ રાદડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગત 9 માર્ચના રોજ અમારા ગામના માજી સરપંચ જેન્તીભાઇ બરવાળીયાના દીકરાના લગ્ન હોવાથી અમે સાંજના જમણવારમાં ગયા હતા. ત્યારે જીગ્નેશભાઈ વેકરીયાની દુકાન ખાતે અમે બધા મિત્રો બેઠા હતા. નવ વાગ્યાની આસપાસ મનોજ ઉર્ફે ભાણો આવી પહોંચ્યો હતો. ત્યારે મનોજ ઉર્ફે ભાણાએ મને કહ્યું હતું કે, તમે બબ્બે વાર વ્યાજ વટાવ બાબતે લોક દરબાર કરાવ્યા છે. હું વ્યાજનો ધંધો કરું છું અને કરવાનો છું. તું ભાજપનો નેતા છો તારે જ્યાં છેડા અડાડવા હોય ત્યાં અડાડી લેજે. મેં જેન્તીભાઈ નાગજીભાઇ દેસાઇ ને વ્યાજે પૈસા આપેલા છે તારામાં તેવડ હોય તો મારા વિરુદ્ધ કાર્યવાહી પણ કરાવી લેજે.
તારા ભાઇને પતાવી દેવાનું નક્કી છે
જે બાદ મનોજ ઉર્ફે ભાણો થોડીવાર બાદ અમારી પાસે આવ્યો હતો અને પોતાના પેન્ટના નેફામાંથી રિવોલ્વર જેવું હથિયાર કાઢી હવામાં ફાયરિંગ કર્યું હતું. તો સાથે જ કહ્યું હતું કે મેં અને દેવાભાઇ ભરવાડે તમે અને તારા ભાઇ હરેશને પતાવી દેવાનું નક્કી કર્યું છે. આવા ઘણા હથિયાર અમારી પાસે છે એટલે તારે રહેવું હોય તેમ રહેજે. તને એટ્રોસિટીના ખોટા કેસમાં પણ કસાવી દેવો છે. ત્યારબાદ મનોજ ઉર્ફે ભાણાએ બીજું કાયરિંગ મારી તરફ કર્યું હતું જો કે તે ફૂટેલ નહીં જેથી હું બચી ગયો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.