વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
વડોદરા પાસે આવેલા પદમલા બ્રિજ પાસે મોપેડ સ્લીપ ખાઈ જતાં 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે ગોત્રીમાં ‘મારી મમ્મી મને હેરાન કરે છે’ તેમ કહીને પોલીસ કંટ્રોલ રૂમમાં ખોટી વર્ધી લખાવનાર યુવાનને પોલીસે દારૂ પીધેલી હાતલમાં ઝડપી પાડ્યો હતો.
પદમલા બ્રિજ પાસે વૃદ્ધને અકસ્માત
વડોદરાના છાણી ગામમાં રહેતા વસંતભાઇ પરબતભાઇ પટેલ (ઉ.46)એ છાણી પોલીસ સ્ટેશનમાં જણાવ્યું છે કે, 23 માર્ચના રોજ હું મારી ફેક્ટરી પર હાજર હતો, ત્યારે મારા કાકા મગનભાઇ પટેલે મને ફોન કરીને કહ્યું હતું કે, તમારા પિતા પરબતભાઇ નારણભાઇ પટેલ(ઉ.71)ને નેશનલ હાઇવે પર પદમલા બ્રિજ પાસે અકસ્માત થયો હતો અને તેમને 108 એમ્બ્યુલન્સમાં સત્યમ હોસ્પિટલ છાણી ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
જેથી હું તુરંત જ મારી ફેક્ટરીમાંથી કાર લઈને સત્યમ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જ્યાં મને ખબર પડી હતી કે, મારા પિતા મોપેડ લઈને નેશનલ હાઇવે પર નીકળ્યા હતા. તે સમયે અચાનક બ્રેક વાગી જતા મોપેડ સ્લીપ ખાઇ જતાં તેઓ નીચે પટકાયા હતા અને સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું.
મારી મમ્મી મને હેરાન કરે છે
લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ પ્રમાણે રાત્રે 11 વાગ્યે કુલદીપ પંડ્યા(ઉ.36)એ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું હતું કે, મને મારી મમ્મી હેરાન કરે છે. જેથી લક્ષ્મીપુરા પોલીસનો સ્ટાફ તુરંત જ ગોત્રી ખાતે પ્રાર્થના ડુપ્લેક્ષ ખાતે પહોંચી ગયો હતો. જ્યાં સોસાયટીના પ્રમુખને સાથે રાખીને પોલીસે તપાસ કરી હતી. આ દરમિયાન કુલદીપ મહેન્દ્રકુમાર પંડ્યા દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. કુલદીપે પોતે જ મારી મમ્મી મને હેરાન કરે છે, તેવી ખોટી વર્ધી લખાવી હતી. પોલીસે આરોપી કુલદીપ પંડ્યા સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.