ભાવનગર10 મિનિટ પહેલા
- કૉપી લિંક
ભાવનગર શહેર અને જિલ્લામાં જાણે ચોમાસુ બેઠું હોય તેમ વરસાદી માહોલ થયો છે અને છેલ્લા પાંચ છ દિવસથી ભાવનગરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહે છે અને બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવે છે અને પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડે છે. શહેરમાં આજે બપોરે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને અડધા કલાકમાં અડધોથી પોણા ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાઈ ગયા હતા.

રોડ પર ગોઠણસમાં પાણી ભરાયા
સમગ્ર ગોહિલવાડમાં જાણે ચોમાસું રીટર્ન થયું હોય તેમ કેટલાક દિવસોથી ભરઉનાળે અષાઢી માહોલ છવાયો છે. ત્યારે સતત પાંચ-છ દિવસથી ભાવનગર જિલ્લામાં સાંજ ઢળતાની સાથે ફરી એકવાર શહેરમાં માવઠાએ દસ્તક દેતાં થોડી જ વારમાં રોડ પર પાણી વહેતા થયા હતા. શહેરમાં થોડીવારમાં માટે ધોધમાર વરસાદ આવતા જ વાઘાવાડી, રેલ્વે સ્ટેશન, અલકા ટોકીઝ, કુંભારવાડા, સંસ્કાર મંડળ, નીલમબાગ, ભરતનગર, વિઠ્ઠલવાડી, શાસ્ત્રીનગર, હાદાનગર સહિતના વિસ્તારોના રોડ પર વરસાદી પાણી ભરાયા હતા તેથી લોકો પરેશાન થઈ ગયા હતા, કેટલાક રોડ પર તો ગોઠણ સમા પાણી ભરાયા હતા તેથી વાહન ચાલકો રોડ પરથી પસાર પસાર થતા પણ ફફડતા હતા.

કમોસમી વરસાદ રોકાવાનું નામ નથી લેતો
ભાવનગરમાં ઉનાળામાં “ચોમાસું” શરૂ થયું હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ શહેર-જિલ્લામાં વરસાદી ઝાપટાં વરસી રહ્યાં છે. જિલ્લાના અનેક ગામડાઓમાં નદી નાળામાં પાણી વહેતા થયા છે. લોકો કુદરતનો આ અટપટો ખેલ સમજી શકતા નથી. પરંતુ હવામાન વિભાગ દરરોજ માવઠાની તારીખો લંબાવ્યા જ કરે છે અને આ આગાહીઓને કુદરત ખરેખર સાચી સાબિત કરવા માંગતું હોય તેમ કમોસમી વરસાદ રોકવાનું નામ નથી લઈ રહ્યો.કુદરતની કરામત પણ ગજબ છે જિલ્લામાં અનેક સ્થળોએ તેમજ જિલ્લાના ગામડાઓમાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે.

ઢળતી સાંજ થતા જ દરરોજ જોરદાર કડાકા-ભડાકા સાથે વરસાદ
મેઘકહેર યથાવત રહેતા ખેડૂતો સાથે લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે આજે છેલ્લા એક સપ્તાહથી બપોર બાદ ઘેરાઈ આવેલા વાદળો વચ્ચે ઢળતી સાંજે જોરદાર કડાકા-ભડાકા સાથે વીજળીના તેઝ લીસોટાએ ફરી વાતાવરણ ભયાવહ બનાવ્યું હતું અને સમગ્ર શહેરમાં તથા આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ શરૂ થતાં ચો-મેર પાણી પાણી થઈ જવા પામ્યું હતું, રાજ્યમાં દિવસોથી કમોસમી મેઘ કહેર યથાવત રહેતા કરોડો રૂપિયાની ખેત ફસલો સાથે બાગાયત ખેતીને પારાવાર નુકશાન થયું છે.




