દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદ-ઈન્દૌર નેશનલ હાઈવે પર દાહોદ નજીક જાલત ગામે જુનો ટેન્ટનો સામાન ભરીને જઈ રહેલી બંધ બોડીની ટ્રકમાં અકસ્માતે આગ લાગી હતી. આગમાં ટેન્ટનો સામાન તથા ટ્રક બળી જતાં અંદાજે રૂપિયા 30 લાખનું નુકસાન થયાનું સત્તાવાર સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
દાહોદ ફાયર બ્રિગેડે આગ બુઝાવી
પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે દાહોદ નજીક જાલત ગામે અમદાવાદ-ઈન્દૌર હાઈવે પરથી ટેન્ટનો જુનો સામાન ભરીને જઈ રહેલી જીજે-01 કેટી-3690નંબરની બંધ બોડીની અશોક લેયલેન્ડ ટ્રકમાં અકસ્માતે આગ ફાટી નીકળી હતી. આસપાસના લોકોએ કતવારા પોલીસને આગ અંગેની જાણ કરતા કતવારા પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ અંગેની જાણ દાહોદ ફાયર સ્ટેશને કરતા ફાયર બ્રીગેડના લાશકરો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમતબાદ આગ પર કાબુ મેળવી આગ બુઝાવી નાંખી હતી.
લાખોના નુકસાનનુ અનુમાન, પોલીસે નોંધ કરી
આગમાં બંધ બોડીની ટ્રક તેમજ રૂા. 202000ની કિંમતનો ટેન્ટનો સામાન સંપૂર્ણ બળી ગયો હતો. આગમાં અંદાજે રૂપિયા 30,020,000નું નુકશાન થવા પામ્યું હતું. ટ્રકમાં આગ લાગવાને કારણે પોલીસે એક તરફનો રોડ બંધ કરી દીધો હતો અને જ્યારે આગ સંપૂર્ણ ઓલવાઈ ગયા બાદ તે રસ્તો પુનઃ ચાલુ કરાવ્યો હતો. આ સંબંધે ટ્રકના માલીક અમદાવાદ, સરખેજના અબ્દુલ રહીમ અબ્દુલ કયુમ સલમાનીએ કતવારા પોલીસ સ્ટેશને લેખીત જાણ ખરતાં પોલીસે આ મામલે આગ અંગેની જાણવા જોગ નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.