જામનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

જામનગર જિલ્લામાં લાલપુર અને ભણગોર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આજે ફરી માવઠું વરસ્યું હતું. વરસાદના કારણે ઉભા પાકમાં નુકસાની થઈ છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અચાનક વાતાવરણમાં પલટો થતા લાલપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી ખેતરમાં પાણી ભરાયા હતા.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર અને કાલાવડ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ નીકાવા, આણંદપર,વડાલા, પાતા મેઘપરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોને નુકસાનીની ભીતિ જોવા મળી રહી છે.

હવામાન ખાતાની આગાહી મુજબ જામનગર જિલ્લામાં લાલપુર અને કાલાવડ તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે પવન સાથે વરસાદ પડ્યો હતો. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એક સપ્તાહમાં બીજીવાર વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને પાકમાં નુકસાની સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે નદી, શેરી અને ખેતરમાં પાણી પણ વહેતા થયા છે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ફાગણ મહિનામાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. કાલાવડ અને લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત આજુબાજુમાં ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.


