બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા
થરાદમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર સામે આવ્યો છે. થરાદની મોરહમઘરની પાછળના વિસ્તારમાં છેલ્લા છ માસથી પાણી ન આવતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ મામલતદાર કચેરી પહોંચી લેખિત રજૂઆત કરી છે. મહિલાઓનો આક્ષેપ છે કે, નગરપાલિકામાંથી કોઈ જવાબ ન મળતા મામલતદાર ઓફિસે રજૂઆત કરવા આવવું પડ્યું છે.

જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ થરાદ વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ જોવા મળ્યો છે. થરાદની મોરહમઘરની પાછળના વિસ્તારમાં પાણી ન આવતા સ્થાનિક મહિલાઓ એકત્ર થઈ નગરપાલિકા એ પહોંચી હતી. થરાદ નગરપાલિકા દ્વારા રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓને સંતોષકારણ જવાબ ન મળતા મહિલાઓ થરાદની મામલતદાર કચેરીએ રજૂઆત કરવા પહોંચી હતી. મામલતદારને લેખિતમાં રજૂઆત કરી સત્વરે પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે.

આ અંગે રજૂઆત કરવા પહોંચેલી મહિલાએ જણાવ્યું હતું કે, કન્યા શાળાની પાછળ અમારા વિસ્તારમાં પાણી નથી આવતું. છેલ્લા છ મહિનાથી પાણીની સમસ્યા છે. અમે બધા ભેગા થઈને નગરપાલિકાએ ગયા હતા. નગરપાલિકાથી અમને કોઈ યોગ્ય જવાબ ન મળતા અમે મામલતદાર ઓફિસે આવ્યાં છીએ અમે પત્ર લખીને આપ્યો છે.