- Gujarati News
- Local
- Gujarat
- Navsari
- The 45th Meeting Of The Council Comprising Presidents Of The State’s 114 Municipalities Was Held In Navsari, With The Issue Of Diminishing Powers Of The President Taking Center Stage.
નવસારી35 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજ્યની નગરપાલિકાઓના પ્રમુખોની બનેલી ગુજરાત નગરપાલિકા પરિષદની આજે મળેલી 45 મી વાર્ષિક સભામાં પાલિકા પ્રમુખની ઘટતી જતી સત્તાનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. જેની સાથે વીજળી બીલનું ભારણ ઘટાડવા પાલિકાઓમાં ફરજિયાત સોલાર પેનલ લગાડવા માટે સરકારમાં રજૂઆત કરવાના પ્રશ્નો પણ ઉઠ્યા હતા.

ગુજરાત રાજ્યની નાની મોટી 114 નગરપાલિકાઓના પ્રમુખોની બનેલી ગુજરાત નગરપાલિકા પરિષદની 45મી વાર્ષિક સામાન્ય સભા પરિષદના પ્રમુખ પોપટ પટેલની અધ્યક્ષતામાં આજે નવસારી વિજલપોર નગરપાલિકાના યજમાનપદે નવસારીના બી. આર. ફાર્મ ખાતે યોજાઇ હતી. પરિષદની સમાન્ય સભામાં એજન્ડાના ત્રણ કામો રજૂ થયા હતા, જેને સર્વ સભ્યોએ સર્વાનુમતે મંજૂર કર્યા હતા. જેની સાથે જ રાજ્યની વિભિન્ન પાલિકાઓમાંથી આવેલા પ્રમુખોએ શહેર વિકાસ સાથે વહીવટી પ્રક્રિયાઓમાં પડતી મુશ્કેલીઓના પ્રશ્નો રજૂ કરી, પરિષદ સરકારમાં રજૂઆત કરે એવી લાગણી વ્યક્ત કરી હતી. જેમાં ખાસ મુદ્દાઓમાં પાલિકા પ્રમુખોની ચેક પર સહી કરવાની સત્તા છીનવાઈ ગયા બાદ પણ સત્તા ઘટતી રહી હોવાનો પ્રશ્ન ઉઠાવી, સત્તા હોય તો શહેર વિકાસમાં યોગ્ય નિર્ણય થઈ શકેની રજૂઆત કરી હતી. જેની સાથે નવસારી પાલિકા પ્રમુખ જીગીશ શાહે પાલિકાના કાર્યભાર વધતા પૂરતા મહેકમ ન મળવા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. 11 મહિનાના કરારમાં પાલિકા ટ્રેનિંગ સ્કૂલ બનીને રહી જાય છે, જેથી પાલિકામાં મહેકમનો પ્રશ્ન હલ થાય એના માટે સરકારમાં રજૂઆત કરવાની વાત મુકી હતી. જ્યારે બ વર્ગની પાલિકાના નગરસેવકોને માનદ વેતન મળે, ઉપપ્રમુખને પણ સરકારી ગાડી મળે, પરિષદને સરકાર ગ્રાન્ટ આપે, લોકભાગીદારીના કાર્યોમાં પણ સરકારી ગ્રાન્ટ મળી રહે જેવા પ્રશ્નો સાથે પાલિકાના વીજ બીલની સમસ્યાના સમાધાન માટે સરકારમાં રજૂઆત કરી ફરજિયાત પણે પાલિકા ભવન ઉપર સોલાર પેનલ લગાવવામાં આવે, તો સ્વભંડોળમાંથી ખર્ચ માટે અને પાલિકાને બીલમાં રાહત મળે.

ગુજરાત નગરપાલિકા પરિષદની આજની સામાન્ય સભામાં દક્ષિણ ગુજરાતની ન જોડાયેલી પાલિકાઓ પણ પરિષદ સાથે જોડાય એવી અપીલ કરવામાં આવી હતી. સાથે જ ગાંધીનગરમાં પાલિકા પ્રમુખ કે સભ્યો જાય, ત્યારે તેમના ઉતારા માટે પરિષદનું ભવન છે એના રીનોવેશન માટે ફંડ એકત્ર કરવામાં આવ્યુ હતું. અંદાજિત 15 લાખના ખર્ચે સામે પરિષદને અંદાજે 20 લાખનું ફંડ ભેગુ કરવામાં સફળતા મળી હતી. જ્યારે પરિષદના સભ્યો દ્વારા રજૂ થયેલ પ્રશ્નો અને સમસ્યાના સમાધાન માટે પરિષદ સરકારમાં રજૂઆતના પ્રયાસ કરશે. જ્યારે બીલ નહી ભરી શકતી પાલિકાઓ મુદ્દે પરિષદ પ્રમુખે પાલિકાની નીતિરીતિ ઉપર સવાલો ઉઠાવ્યા હતા. બીલ ભરવા પાલિકાની જવાબદારી છે, કારણ પાલિકા લાઈટ વેરો, સ્વચ્છતા વેરો લે છે, પાલીકાની આવકના સ્ત્રોત પણ વધ્યા છે. ત્યારે યોગ્ય આયોજન કરવાની જરૂર હોય છે. જોકે આજે સોલાર પેનલ લગાવવા સરકારમાં રજૂઆત કરવાની ચર્ચા થઈ છે, સરકારમાં આ મુદ્દે પરિષદ રજૂઆત કરશે.

