અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદના હાટકેશ્વરનો નબળી ક્વોલિટીનો વિવાદાસ્પદ બ્રિજ તોડી પાડવાનો નિર્ણય AMC દ્વારા કરાયો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજ બનાવવામાં સંકળાયેલ કુલ નવ લોકો સામે ખોખરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બ્રિજ બનાવનાર લોકો ધરપકડ ટાળવા આગોતરા જામીન અરજી લઈને સેશન્સ કોર્ટ પહોંચ્યા છે.
AMCએ જુદી-જુદી સંસ્થાઓ પાસે બ્રિજનો રિપોર્ટ કરાવ્યો
હાટકેશ્વર બ્રિજ બનાવનાર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ, SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય લોકો સામે IPC કલમ 406, 420, 120 (B) અંતર્ગત ફરિયાદ નોંધાઇ હતી. AMCએ જુદી-જુદી સંસ્થાઓ પાસે બ્રિજનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં બ્રિજ હલકી કક્ષાનો હોવાનું પુરવાર થયું હતું. ફરિયાદમાં બાંધકામ સમયે યોગ્ય નીતિ નિયમોનું પાલન ન થયું હોવાનો અને સિમેન્ટની ક્વોલિટી પણ યોગ્ય ન હોવાનો ઉલ્લેખ કરાયો હતો.
આવતીકાલે સેશન્સ કોર્ટમાં વિગતવાર સુનાવણી
વિવિધ સંસ્થાઓની તપાસના રિપોર્ટ આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખોખરા પોલીસ મથકે બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટ કંપનીના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ આગોતરા જામીન અરજી પર આવતીકાલે સેશન્સ કોર્ટમાં વિગતવાર સુનાવણી હાથ ધરાશે.