મહિસાગર (લુણાવાડા)2 કલાક પહેલા
- કૉપી લિંક
મહીસાગર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે અગિયારમી શોભાયાત્રાનો પરશુરામ ચોક ખાતેથી હર હર મહાદેવ, જય પરશુરામ નાદ સાથે ભગવાન પરશુરામની આરતી સાથે આરંભ થયો હતો. જેમાં મહીસાગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા પોતાની પત્ની સાથે પરશુરામ ચોક પહોંચી દર્શન અને અરતીનો લ્હાવો લીધો હતો. તો ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય જીજ્ઞેશ સેવક, લુણાવાડા ટાઉન પી.આઈ. ધેનુ ઠાકરે પણ આરતી ઉતારી દર્શન કર્યા હતા. આ પ્રસંગે બ્રહ્મ સમાજ દ્વારા મહાપૂજા, શોભાયાત્રા, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. લુણાવાડા નગરના રાજમાર્ગો પર નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બ્રહ્મ બંધુઓ, ભગિનીઓ જોડાયા હતા.

પરશુરામ જયંતિ ભગવાન પરશુરામના ગુણગાન સાથે આ દિવસ ઉજવાય છે. આ દિવસે ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાને ત્યાં પરશુ ધારણ કરનાર અને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર ગણાતા ભગવાન પરશુરામનો પ્રાદુર્ભાવ થયો હોવાથી આ દિવસને પરશુરામ જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. લુણાવાડા નગરમાં ધામધૂમ પૂર્વક નીકળેલી શોભાયાત્રા નગરના વિવિધ માર્ગો લુણેશ્વર ચાર રસ્તા, દરકોલી દરવાજા, હટાડીયા બજાર, ફુવારા ચોક, માંડવી બજાર થઈ ઘાંટી વિસ્તારમાં સ્વયંભુ નાથ મંદિર પહોંચી નગરમાં ઘાંટી વિસ્તારમાં આવેલ સ્વયંભુનાથ મહાદેવના મંદિરે તેની પૂર્ણાહુતિ આરતી પુજા અર્ચના સાથે નમહ પાર્વતી પતયે હર હર મહાદેવ હરના નાદ સાથે કરવામાં આવી હતી.

શોભાયાત્રામાં ફુવારા ચોક ખાતે ગરબા પણ યોજાયા હતા. તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને વિવિધ હિન્દૂ સમાજ દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું. તેમજ છાસ અને ઠંડા-પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો બ્રહ્મસમજ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાવીર અને વિદ્વાન પરશુરામ જયંતીની ઉજવણી મહીસાગર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના પ્રમુખ, મંત્રી, પ્રભારી સહિત મહીસાગર જિલ્લાના તમામ મંડળોના હોદ્દેદારો, અગ્રણી ભૂદેવો મહિલાઓ દ્વારા શ્રધ્ધાપૂર્વક કરવામાં આવી હતી.








