જુનાગઢ24 મિનિટ પહેલા
- કૉપી લિંક
જૂનાગઢ જિલ્લામાં એક ગામમાં દીપડાએ કરેલા કૂતરાના શિકારની ઘટનાના CCTV સામે આવ્યા છે. મેંદરડા તાલુકાના સાત વડલા ગામની શેરીમાં આરામ ફરમાવી રહેલા એક શ્વાન પર દીપડો મોત બનીને ત્રાટક્યો હતો. ગણતરીની સેકન્ડોમાં જ દીપડો શ્વાનનો શિકાર કરી ફરાર થઈ ગયો હતો.

રહેણાંક વિસ્તારમાં શિકારની ઘટના બની
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સાત વડલા ગામના રહેણાંક વિસ્તારમાં રાત્રિના સમયે શેરીના કૂતરાઓ આરામ ફરમાવી રહ્યા હતા ત્યારે પાછળથી બિલ્લીપગે આવેલો દીપડો કૂતરા પર મોત બનીને ત્રાટક્યો હતો. આ સમયે અન્ય કૂતરાઓ આવી જતા દીપડો શિકારને મોઢામાં લઈ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

શિકારની ઘટના CCTVમાં કેદ થઈ
મેંદરડા તાલુકાના સાત વડલા ગામમાં બનેલી શિકારની આ ઘટના ગામમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જે વાઈરલ થતા લોકોમાં ડરનો માહોલ છવાયો છે. આ વિસ્તારમાં ફરી રહેલા દીપડાને વનવિભાગ પાંજરે પૂરે તેવી ગામલોકો માગ કરી રહ્યા છે.