વડોદરા39 મિનિટ પહેલા
- કૉપી લિંક

ફાઇલ તસવીર
વડોદરા શહેરના સમતા વિસ્તારમાં રહેતા NRI પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તિજોરીમાં મુકેલા રૂપિયા 4 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી ગયા હતા. પરિવાર દીકરીના ઘરે ગયું હતું. અને પુત્રની લગ્નની તૈયારીમાં વ્યસ્ત હોઇ, તસ્કરોએ તેનો લાભ ઉઠાવી સોનાના ઘરેણાંની ચોરી કરી ગયા હતા.
પરિવાર દીકરીના ઘરે ગયું હતુ
મળેલી માહિતી પ્રમાણે શહેરના સમતા વિસ્તારમાં આવેલ 9-10, અશ્વમેઘ ડુપ્લેક્ષમાં રહેતા શૈલેષભાઈ પટેલે પોલીસ ફરિયાદમાં જાણવ્યું હતું કે, મારા એનઆરઆઈ પુત્રના લગ્ન લીધા હોવાથી અમે ખરીદી કરવા 4 માર્ચના રોજ મકાનને તાળું મારી પરિવાર સાથે સુરત દીકરીના ઘરે ગયા હતા. ત્યારે 10 માર્ચના રોજ અમારા પાડોશીએ અમોને ફોન કરી જાણ કરી હતી કે તમારા મકાનું તાળું તૂટેલું છે. અને ચોરી થઇ હોય તેવું જણાઈ આવે છે.
પત્નીના દાગીના તસ્કરો ચોરી ગયા
શૈલેષભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ચોરીના સમાચાર મળતા અમોએ આ અંગે પોલીસને જાણ કરવા માટે જણાવતા તેઓએ પોલીસને જાણ કરી હતી. દરમિયાન અમે સુરતથી તરત વડોદરા દોડી આવ્યા હતા અને ઘરે તપાસ કરતા મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો. જેથી ઘરમાં જઈને જોતા બધો સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. અને બેડરૂમની તિજોરીનું લોક તોડી તસ્કરો તિજોરી માંથી ઓમાન અને અમેરિકા ખાતેથી પત્ની માટે ખરીદેલી સોનાની બુટ્ટી, ડાયમંડની વીંટી, ડાયમંડની બુટ્ટી, ડાયમંડનું મંગળસૂત્ર સહીત રૂપિયા 4 લાખની કિંમતના દાગીનાના તસ્કરો લઇ ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.
સોસાયટીના લોકોમાં ગભરાટ
આ બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસે શૈલેષભાઇ પટેલની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. NRI પરિવારમાં બનેલા ચોરીના આ બનાવે સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં આવેલી સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાવી દીધો છે.