અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદમાં ઓનલાઈન છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં એક વ્યક્તિને OLX પર સાયકલ વેચવી ભારે પડી ગઈ છે. સામેવાળાએ સાયકલ ખરીદવામાં રસ દાખવીને વેચનાર પાસેથી 86 હજાર રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
આરોપી અનિલસિંઘે 1500માં સાયકલ ખરીદવામાં રસ દાખવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે વસ્ત્રાપુરમાં સરકારી વસાહતમાં રહેતા સંદિપકુમાર રાઠોડે OLX વેબસાઈટ પર સાયકલ વેચવાની જાહેરાત મુકી હતી. આ દરમિયાન તેમના ફોન પર અનિલસિંઘે ફોન કરીને સાયકલ ખરીદવામાં રસ ધરાવ્યો હતો. 1500 રૂપિયામાં સાયકલ ખરીદશે એવી વાત કરીને તેમણે જાહેરાત હટાવી લેવા કહ્યું હતું.
આરોપીની પત્નીએ સાંજે સાયકલ લેવા આવવાનું કહ્યુ
ત્યારબાદ સાયકલ ખરીદનાર અનિલસિંઘની પત્નીનો ફોન આવ્યો હતો અને સાંજના સમયે સાયકલ લેવા માટે આવું છું, તેમ જણાવ્યું હતું. ત્યારબાદ અનિલસિંઘે ફોન કરીને કહ્યું હતું કે, હું આર્મીમાં છું અને ફરજ પર છું. મારે સાયકલના પેમેન્ટ માટે આર્મી કેમ્પમાંથી કમ્પ્યુટર સિસ્ટમમાંથી પૈસા ટ્રાન્સફર કરવાના હોય છે.
પૈસા ડબલ કરવાની લાલચમાં ફસાયો
જો તમારા દ્વારા મને પૈસા ટ્રાન્સફર કરવામાં આવે તો અમે સામે તમને ડબલ પૈસા ટ્રાન્સફર કરીશું. શરૂઆતમાં 10 રૂપિયા ટ્રાન્સફર કર્યા તો સામે વાળાએ 20 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. આમ કરી કરીને સામે વાળાએ 86 હજાર રૂપિયા ડબલ આપવાની લાલચમાં ટ્રાન્સફર કરાવી લીધા હતાં.
આર્મીના નામ પર 86 હજાર રૂપિયા પડાવ્યા
સંદિપકુમારે આર્મીમાં હોવાથી ભરોસો અને વિશ્વાસ હોવાથી પૈસા ટ્રાન્સફર કર્યાં હતાં. જેથી સાયકલ ખરીદનારે ભરોસો અને વિશ્વાસ કેળવીને સંદિપભાઈ પાસેથી 86 હજાર રૂપિયા પડાવી લીધા હતાં. સંદિપભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.