રાજકોટ10 મિનિટ પહેલા
- કૉપી લિંક

સંત મોરારી બાપુના હસ્તે હેમંતભાઈ ચૌહાણની ભક્તિ રચનાઓના સંગ્રહ ‘હરિનામની હેલી’નું વિમોચન કરાયું હતું. હાલ થોડા સમય પહેલા જ ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ ગાયક હેમંતભાઈ ચૌહાણને પદ્મશ્રી પુરસ્કારથી બહુમાનિત કરાયા ત્યારે રાજકોટમાં વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે ‘પદ્મશ્રી હેમંત ચૌહાણ સન્માન સમિતિ’ દ્વારા રાજકોટ નાગરિક સહકારી બેંકના સહયોગથી પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણને સન્માનિત કરવા ‘હેતે વધાવીએ હેમંતને’ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તે હેમંતભાઈ ચૌહાણનું શાલ ઓઢાડીને તથા સ્મૃતિચિન્હ, સન્માનપત્ર અને 1 લાખ 51 હજારનો ચેક અર્પણ કરી અભિવાદન કરાયું હતું.
હેમંતભાઈના ભજન તો મનને હળવા કરે
આ તકે સંત મોરારીબાપુએ જણાવ્યું હતું કે, હેમંત ચૌહાણે સંતવાણીના ગાયક તરીકે ખુબ જ મહત્વનો યોગદાન આપ્યુ છે. ભજનના ચાર પ્રકાર છે લખાતું, વંચાતું, કથન થતું અને ગવાતું ભજન. જેમાં શ્રેષ્ઠ છે, ગવાતું ભજન. લખાયેલું ભજન કોઈને કંઠે ચડે પછી જાણીતું લાગે છે, હેમંતભાઈના ભજન તો મનને હળવા કરે છે.

કલાપ્રેમી રાજકોટવાસીઓએ હેમંતભાઈને નવાજ્યા
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પદ્મશ્રી હેમંતને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું. દેશની સરકાર કલારત્નોને ખૂણે-ખૂણેથી શોધી-શોધીને પોંખે છે, તે સરકારનો ભાગ હોવાનું સદભાગ્ય સાંપડ્યું છે. કલાપ્રેમી રાજકોટવાસીઓએ હેમંતભાઈને નવાજ્યા, એ ખરેખર તો એવોર્ડનું સન્માન છે. રામસાગરના રણકાર સાથે હેમંતભાઈને સાંભળવાનો અનેક વાર અવસર મળવો, તે આનંદની વાત છે. બળકટ કાવ્યોને કંઠ મળે ત્યારે રચના લોકભોગ્ય બનતી હોય છે.

આ એવોર્ડ ઈશ્વર અને સંતોની કૃપાનું ફળ છે – હેમંત ચૌહાણ
પદ્મશ્રી હેમંત ચૌહાણએ આ એવોર્ડથી સન્માનિત થવા બદલ કૃતજ્ઞતા અનુભવતા જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થયો, તે વેળાએ સૌપ્રથમ મોરારીબાપુએ શુભેચ્છા પાઠવી હતી. આ એવોર્ડ ઈશ્વર અને સંતોની કૃપાનું ફળ છે.

હેમંતભાઈનું શાલથી સન્માન કર્યું
કાર્યક્રમનો શુભારંભ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી થયો હતો. હેમંત તથા તેમના પુત્રી ગીતાબેને ‘સુખ રે સાગરમાં હંસલો મોતીડાં ચણે’ ભજન પ્રસ્તુત કર્યું હતું. પ્રહલાદભાઈએ કબીર વાણીની સાંગીતિક રજૂઆત કરી હતી. મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ, સ્મૃતિચિન્હ અને શાલથી સ્વાગત કરાયું હતું. સંતવર્ય મોરારી બાપુના હસ્તે પદ્મશ્રી હેમંત ચૌહાણ સન્માન સમિતિના દરેક સભ્યોનું સન્માન કરાયું હતું. આ તકે વિવિધ સમાજના અગ્રણીઓ, સંતો-મહંતો અને સામાજિક સંસ્થાઓએ હેમંતભાઈનું સન્માન કર્યું હતું.

હેમંત ચૌહાણના ભજનોના ચાહકો પણ કાર્યક્રમમાં ઊપસ્થિત
આ સમારોહમાં સ્વાગત ઉદબોધન હાસ્ય કલાકાર સાંઈરામભાઈ દવેએ કર્યું હતું. કાર્યક્રમની ભૂમિકા ડૉ. સુનીલભાઈ જાદવે આપી હતી. પ્રાસંગિક પ્રવચન હાસ્યકલાકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ, લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા અને મધ્યપ્રદેશના લોકગાયક પદ્મશ્રી પ્રહલાદભાઈ ટીપણીયાએ કર્યું હતું. પુસ્તક પરિચય કવિશ્રી સંજુભાઈ વાળાએ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલનશ્રી સંજયભાઈ કામદારે કર્યું હતું. આ પ્રસંગે રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેનશ્રી શૈલેષભાઈ ઠાકર તથા હેમંત ચૌહાણના ભજનોના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.