ભરૂચ29 મિનિટ પહેલા
- કૉપી લિંક
ભરૂચ નગર પાલિકા દ્વારા સૂચિત વેરા વધારા સામે વાંધા અરજીઓ રજૂ કરવા કોંગ્રેસે વિપક્ષી કાર્યાલય ખાતે 25 દિવસ માટે કાઉન્ટર શરૂ કરી દીધું છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મંગળવારે વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી હેમેન્દ્ર કોઠીવાલા, શહેર પ્રમુખ હરેશ પરમાર, ઇબ્રાહિમ કલકર સહિતે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી.
ભાજપ શાસિત ભરૂચ પાલિકાએ વિકાસના વધુ કામો કરવા અને આર્થિક ભારણ હળવું કરવા બજેટ સભામાં પાણી, ડ્રેનેજ અને સફાઈમાં સૂચિત વેરા વધારાની દરખાસ્ત મુકી હતી. જેની સામે વિપક્ષ કોંગ્રેસે ભાજપ પાલિકાના શાસકો ભરૂચની પ્રજાને પ્રાથમિક સવલતો તેમજ સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યા હોવાના આક્ષેપ સાથે વેરા વધારાનો વિરોધ નોંધાવ્યો હતો.
સૂચિત વેરા વધારા સામે વાંધા વિરોધ રજૂ કરવા એક મહિનાના સમય સામે હવે 25 દિવસ બાકી હોય વિપક્ષ કોંગ્રેસ તેનો વિરોધ નોંધાવવા અને પ્રજાને વધુમાં વધુ વાંધા અરજી કરવા મેદાને ઉતર્યું છે. વાંધા વિરોધની કોંગ્રેસે 10 થી 12 ફોર્મેટ બનાવી છે. અને શહેરીજનોને પોતાના વાંધા વિરોધ રજૂ કરવામાં મદદરૂપ થવા પાલિકામાં વિરોધ પક્ષનું કાર્યાલય સવારે 11 થી બપોરે એક વાગ્યા સુધી કાર્યરત રહેશે તેમ વિપક્ષે પ્રજાને જાણ કરી છે. વધુ ને વધુ લોકો વાંધા અરજી કરી આર્થિક ભારણમાંથી બચે તે માટે વિપક્ષે ટહેલ કરી છે.