ગાંધીનગર36 મિનિટ પહેલા
- કૉપી લિંક
- આગ લાગવાથી વીજળી ગુલ થતાં સ્થાનિકો પરેશાન થયા હતા
વીજલોડ વધવાથી ગત શુક્રવાર મોડી રાત્રે સેક્ટર-27ના ગાયત્રી સોસાયટીમાં નાની ડીપીમાં આગ લાગી હતી. આથી અન્ડર ગ્રાઉન્ડ રહેલો અંદાજે દસેક ફુટ કેબલ બળી ગયો હતો. જોકે આગ લાગતા સ્થાનિક લોકોએ માટી નાંખીને આગને કાબુમાં લીધી હતી. ઉપરાંત વીજ કંપનીને જાણ કરતા તેઓની ટીમ દોડી આવીને વીજ સપ્લાય બંધ કર્યો હતો. જોકે કેબલમાં આગ લાગવાથી વીજળી ડૂલથી સ્થાનિકો પરેશાન થયા હતા.
હાલમાં ઉનાળાની સીઝનને પગલે વીજવપરાશ લોકોમાં વધી જાય છે. જોકે એસી, કુલર, ફ્રીજ, પંખા સહિતનો ઉપયોગ થવાથી વીજળી લોડ વધે છે. ત્યારે વીજલોડ વધવાથી નગરના સેક્ટર-27, ગાયત્રી સોસાયટીમાં આવેલી નાની ડીપીમાં ધડાકા સાથે આગ લાગીને વીજળી ડૂલ થઇ ગઇ હતી. ડીપીમાં આગ લાગી હોવાથી સ્થાનિક લોકોએ માટી નાંખીને આગને હોલવીને તાત્કાલીક અસરથી વીજ કંપનીને જાણ કરી હતી. આથી વીજ કંપનીની ચાર ટીમો દોડી આવીને વીજ સપ્લાય બંધ કર્યો હતો. જોકે વીજ ડીપીમાં આગ લાગવાથી વીજળી ડૂલ થતાં સ્થાનિક લોકોને હાલાકી પડી હતી.
જોકે વીજ કંપનીની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચકાસણી કરતા દસેક ફુટ જેટલો કેબલ બળી ગયો હતો. આથી વીજલોડ સહન નહી થવાથી કેબલ બળી ગયો હોવાની ચર્ચા સ્થાનિક લોકોમાં જોવા મળતી હતી. અન્ડર ગ્રાઉન્ડ રહેલો કેબલ દસેક ફુટ જેટલો બળી જવા અંગે વીજ કંપનીના કર્મચારીઓને પુછતા જણાવ્યું છે કે ક્યાંય કેબલ કપાયો હોવાથી શોર્ટ થવાથી આવી રીતે આગ લાગવાથી કેબલ બળી જાય છે. જોકે વીજ કંપનીની ટીમો દ્વારા તાત્કાલિક અસરથી રીપેરીંગ કરીને નવો કેબલ નાંખવામાં આવ્યો છે. પરંતુ કામગીરી દરમિયાન સેક્ટરવાસીઓને શુક્રવાર રાત્રે ચારેક કલાક અને શનિવારે પાંચેક કલાક સુધી વીજ સપ્લાયથી વંચિત રહેતા કાળઝાળ ગરમીમાં લોકોની હાલત કફોડી બની હતી.