ભાવનગર21 મિનિટ પહેલા
- કૉપી લિંક
નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ વર્ષ દરમિયાન અભ્યાસની સાથે સાહસિક રીતે વધુ મજબુત બને તેવા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. તેના ભાગરૂપે તાજેતરમાં હિમાચલ પ્રદેશ તેમજ મનાલી(કોક્સર) ખાતે 7 દિવસીય ટ્રેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજમાં અભ્યાસ કરતી 60 જેટલી વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.
જંગલો અને પહાડોની વચ્ચે ટેન્ટમાં રાત્રી રોકાણ
સાહસિકતા અને નીડરતા હોવી એ અત્યારના સમયની માગ છે. ટ્રેકિંગના માધ્યમથી ઉંચા પહાડો ઉપર ચડીને ઉતારવાનું અને નદીના પ્રવાહની વચ્ચેથી પસાર થવાનું હોય છે. આ ઉપરાંત અનેક પ્રવૃતિઓ પણ કરાવવામાં આવતી હોય છે સાથે-સાથે ટ્રેકિંગ દરમિયાન જંગલો અને પહાડોની વચ્ચે ટેન્ટમાં રાત્રી રોકાણ કરવાનું હોય છે. આ ઉપરાંત જયારે જમીનથી ઉંચાઈ ઉપર જવાનું થાય તે સમયે ઓક્સીજનનું પ્રમાણ પણ ઓછુ હોય છે.
વિદ્યાર્થિનીઓએ મુશ્કેલીની વચ્ચે પણ ટ્રેકિંગ કર્યું
આવી કપરી પરિસ્થિતિમાં ટ્રેકિંગ કરાવવામાં આવે છે. નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગરની 60 વિદ્યાર્થિનીઓએ આ ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લઇ તમામ પ્રવૃતિઓમાં સફળતા પૂર્વક ટ્રેકિંગ પૂર્ણ કરી કોલેજનું ગૌરવ વધાર્યું હતું. આ ટ્રેકિંગ અત્યંત કઠીન હોવા છતાં કોલેજની વિદ્યાર્થિનીઓએ કોક્સર, અંજની મહાદેવ, જોગણી વોટર ફોલ, બિલાસ કુંડ, ચંદ્રેશ્વર લેઈક ખાતે મુશ્કેલીની વચ્ચે પણ ટ્રેકિંગ પૂર્ણ કર્યું હતું.