ગાંધીનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
- કોન્ટ્રાક્ટરની ભૂલ હોય તો પણ એન્જિનિયરોને બદલીની સજા થાય છે
રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગના મદદનીશ ઇજનેરોના જાહેરહિતનું કારણ આગળ ધરી તેમની બદલી કરી નાખવામાં આવતી હોવાથી તેમણે સરકાર સમક્ષ તેના કારણો માગ્યા છે. આ ઇજનેરોએ રજૂઆત કરી છે કે જો કોઈ બાંધકામમાં કચાશ બદલ કોન્ટ્રાક્ટરની ભૂલ હોય તો પણ તેમને દંડવામાં આવે છે.
મદદનીશ ઈજનેરોની બદલીઓનો હુકમ ફટકારી દે
આ કિસ્સાઓમાં સરકાર કામના કોન્ટ્રાક્ટર કે ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાની ચકાસણી કર્યા સિવાય સીધે સીધો મદદનીશ ઈજનેરોની બદલીઓનો હુકમ ફટકારી દે છે. ઈજનેરોએ તેવી પણ રજૂઆત કરી છે કે સરકારના કોન્ટ્રાક્ટ મેળવવા માટે ઈજારદારો ઓછા ભાવના ટેન્ડરો ભરી દે છે અને તે પછી તેઓ કામની અને માલ-સામાનની ગુણવત્તા સામે સમાધાન કરે છે. આ કિસ્સામાં કોઇ પણ રીતે સરકારી ઈજનેરો જવાબદાર હોતા નથી અને તેઓ અમુક મર્યાદાને કારણે આવા કિસ્સા સામે અવાજ પણ ઉઠાવી શક્તા નથી.
મૂળભૂત કામ સિવાય વધારાનું સરકારી કામ પણ કરવું પડે
આ ઉપરાંત ઈજનેરોએ તેવી પણ રજૂઆત કરી છે કે તેમને તેમના મૂળભૂત કામ સિવાય વધારાનું સરકારી કામ પણ કરવું પડે છે. આ કામમાં તેઓની કોઈ પારંગતતા ન હોવા છતા વધારાના ભારણ તરીકે તેમના માથે સંબંધિત તંત્ર થોપી દે છે. કોઇપણ બાંધકામની ટેક્નિકલ મંજૂરી, ડીટીપી મંજૂરી, જમીન સંપાદન, વન વિભાગનું પ્રમાણપત્ર, જોબ નંબર તથા સરકારના અન્ય વિભાગોના ક્લિયરન્સ માટે પણ વિવિધ કચેરીમાં ફરતા રહેવું પડે છે. જે તેમની જવાબદારીનો ખરેખર ભાગ હોતો નથી.
વિવિધ ચૂંટણીઓમાં કામગીરી સોંપાતા મોટાભાગનો સમય તેમાં જતો રહે
સરકારની જિલ્લા, તાલુકા કે ગ્રામ્ય કક્ષાની વહીવટી બેઠકોમાં પણ તેઓને હાજર રહેવું પડે છે. વિવિધ ચૂંટણીઓમાં કામગીરી સોંપાતા મોટાભાગનો સમય તેમાં જતો રહે છે. આ ઉપરાંત બોર્ડની તેમ જ ભરતીની પરીક્ષાઓમાં પણ તેમને જવાબદારી સોંપાય છે. કુદરતી આપત્તિ કે ખેડૂતોને સંલગ્ન રાહત અંગેના કામો તેમને સોંપાય છે.