અમરેલી8 કલાક પહેલા
- કૉપી લિંક
અમરેલી જિલ્લામાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપ સંગઠનને સક્રિય કરવા માટે જિલ્લામાં કારોબારી બેઠકો તાલુકા મથકો ઉપર શરૂ કરવામાં આવી છે. જેમાં સાવરકુંડલા-રાજુલા બાદ આજે બગસરા તાલુકા અને શહેરની કારોબારી બેઠક મળી હતી. જેમાં સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડીયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાવવાની હતી, પરંતુ ધારાસભ્ય જે.વી.કાકડીયા આ બેઠકમાં ગેર હાજર રહ્યા હતા. અમર ડેરીના ચેરમેન અને બગસરા પ્રભારી અશ્વિન સાવલિયા સહિત સ્થાનિક નેતાઓ કાર્યકરો હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ ભાજપના હોદેદારો અને કાર્યકરોને સોંપેલી જવાબદારીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરના તાજેતરમાં સિંહ દર્શન કર્યા બાદ સિંહ સાથે સેલ્ફી લેવાના વીડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ વનવિભાગ દ્વારા તેમના વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. તેમનું ધારી વનવિભાગ દ્વારા નિવેદન લીધું હતું અને તપાસ ચાલી રહી છે, ત્યારે આ બેઠકમાં પ્રદીપ ભાખરને કોઈ સવાલ ન કરે તે માટે સ્થાનિક મીડિયાકર્મીઓને દૂર કર્યા હતા અને બેઠકમાં પ્રદીપ ભાખર વિવાદો બાદ આજે પહેલી વખત બેઠકમાં આવતા કાર્યકરોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.