છોટાઉદેપુર28 મિનિટ પહેલા
- કૉપી લિંક
- વડોદરા ડિવિઝન દ્વારા જૂની કંડમ બસો ફાળવીને લોલીપોપ પકડાવી દેવાઈ
- માત્ર એક મિનિ બસ આપી છોટાઉદેપુર ડેપોને પાણીચું પકડાવી દેવાતાં રોષ
છોટાઉદેપુર એસ. ટી. ડેપો વિશ્વામિત્રી વડોદરા ડિવીઝનનો સૌથી મોટો ડેપો છે. જે ડેપોમાં સૌથી વધારે રૂટ અને બસોનો સમાવેશ છે. જ્યારે હજારો મુસાફરો અહિયાંથી દરરોજ આવનજાવન કરે છે. જેની સામે છોટાઉદેપુર ડેપો વડોદરા ડિવીઝનને સૌથી વધારે આવક રળી આપતો ડેપો છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા ગાંધીનગર, જામનગર અને નવસારી ખાતે નવીન બસોના લોકાર્પણના કાર્યક્રમો કરીને ગુજરાત રાજ્યના તમામ ડીવીઝનોને નવીન એસ. ટી. બસો ફાળવવામાં આવેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજયના જામનગર અને નવસારી ખાતે થયેલ બસોના લોકાર્પણના કાર્યક્રમોમાં છોટાઉદેપુર ડેપોને ફાળવવામાં આવેલ બસો બારોબાર વડોદરા ડિવીઝનના અન્ય ડેપોમાં આપી દેવામાં આવી છે. તેમજ છોટાઉદેપુર ડેપોને માત્ર એક મીની બસ આપીને પાણીચુ પકડાવી દીધેલ છે. જેથી સમગ્ર છોટાઉદેપુરની પ્રજામાં રોષ ફેલાયો છે. જરૂરિયાત મુજબ છોટાઉદેપુર એસ ટી ડેપોને બસો કેમ ફાળવવામાં આવતી નથી જેવા સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે.
હાલમાં છોટાઉદેપુર ડેપોના ગુર્જરનગરી રૂટમાં નવીન લકઝરી બસોની જરૂરીયાત છે. તેમજ કાલાવડ રૂટમાં પણ નવીન સ્લીપર કોચ બસની જરૂરીયાત છે. તેમ છતાં વડોદરા ડિવીઝન દ્વારા સૌથી વધારે આવક રળી આપતા છોટાઉદેપુર ડેપોની બાદબાકી કરાઈ છે અને જૂની કિલોમીટર પુરા થઈ ગયેલી બસો ફાળવીને લોલીપોપ પકડાવી દીધી છે.