દયાપરએક કલાક પહેલા
- કૉપી લિંક
- તાલુકા ખરીદ વેચાણ સંઘે મુખ્યમંત્રી સમક્ષ રોષ ઠાલવ્યો
કચ્છમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુક્સાનની સહાય માટે એકમાત્ર લખપત તાલુકાને બાકાત રાખી દેવાતાં કિસાન આલમમાં રોષની લાગણી વ્યાપી હતી. આ મુદ્દે લખપત તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘે નાયબ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીના માધ્યમથી મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનમાં ધરતીપુત્રોને નુક્સાનીનું વળતર આપવાની માગ કરી હતી.
આ બાબતે કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, કમોસમી વરસાદથી તાલુકામાં ખરીફ અને બાગાયતી પાકોને નુક્સાન થયું છે. વળતર માટે કચ્છના નવ તાલુકાને સમાવાયા છે જ્યારે લખપત તાલુકાને બાકાત રખાયો છે. અગાઉ અતિવૃષ્ટિ વખતે પણ સરકારે આવું વલણ અપનાવ્યું હતું.
નુક્સાનીનો સર્વે કરાવીને કિસાનોને સહાય આપવામાં આવે તેવી માગ સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન હસમુખ પટેલે કરી હતી. બીજી બાજુ મુધાનના ભૂપતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં મુધાન, ઝારા, ખટિયા સહિતના વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ વરસતાં એરંડા, દાડમ, કેરીનો પાક નિષ્ફળ ગયો છે.
આ નુક્સાનીનું વળતર સરકાર ચૂકવે તેવી માગ તેમણે કરી હતી. કોંગ્રેસના આગેવાન હાજી સલેમાન પડ્યારે ભાડરા, સારણ, કોટડા મઢ, બુધા, બરંદા, માતાના મઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદથી બાગાયતી અને ખરીફ પાકોને નુક્સાન થયું હોવાનું કહેતાં સહાય માટે માત્ર લખપત તાલુકાને બાકાત કેમ રખાયો તેવો સવાલ કર્યો હતો.
વહેલી તકે સર્વેની કામગીરી હાથ ધરી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગણી તેમણે કરી હતી. કોટડા મઢના અગ્રણી આદમ રાયમાએ પણ પાકને વ્યાપક નુક્સાન પહોંચ્યું હોવાનું કહ્યું હતું.ઉલ્લેખનીય છે કે, અગાઉ તાલુકા ભાજપના આગેવાનો તેમજ તાલુકા પંચાયતના પ્રમુખે પણ નુક્સાનીની મોજણી કરીને સહાય ચૂકવવા માટે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સમક્ષ રજૂઆત કરી હતી.