5g Service In India: દેશમાં 5જી સેવા ઘણા સમયથી શરૂ થઈ ગઈ છે. હાલમાં દેશના 14 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં 5જી સેવાની શરૂઆત થઈ ગઈ છે.

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ છબી
દેશમાં આજથી 2 મહિના પહેલા 1 ઓક્ટોબર 2022થી 5જી સર્વિસ લોન્ચ થઈ હતી. ત્યારે આજે 5જી સર્વિસ દેશના 50 શહેરોમાં એક્ટિવેટ થઈ ગઈ છે. 14 ડિસેમ્બરે સરકારે માહિતી આપતા કહ્યું કે 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં 5જી કનેક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. સંસદના શિયાળુ સત્રમાં લોકસભા સાંસદ દેવેન્દ્રરસિંહ ભોલેએ સરકારને એક સવાલ કર્યો હતો, તેનો જવાબ આપતા કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે 26 નવેમ્બર સુધીના આંકડા આપવામાં આવ્યા છે.
રિપોર્ટસ મુજબ ડેટા જણાવે છે કે ગુજરાતના 33 શહેરમાં 5જીની સુવિધાનો લાભ મળી રહ્યો છે. ત્યારબાદ મહારાષ્ટ્રના 3, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશના 2 અને આ સિવાય તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન, હરિયાણા, અસમ, કેરળ, બિહાર અને આંધ્રપ્રદેશના એક એક શહેરમાં 5જી સર્વિસ શરૂ થઈ ગઈ છે. આંકડાથી જાણી શકાય છે કે એક કેન્દ્ર શાસિત પ્રદેશ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ 5જી હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધા મળી રહી છે.
ભારતના આ 50 શહેરમાં 5જી સેવા શરૂ
દેશના 14 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં 5જી સેવા શરૂ થઈ ગઈ છે. ત્યારે તેમાં ગુજરાતના 33 શહેરમાં સેવા શરૂ થઈ ચૂકી છે. ગુજરાતના અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, અમરેલી, બોટાદ, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, હિંમતનગર, મોડાસા, પાલનપુર, પાટણ, ભુજ, જામનગર, ખંભાળિયા, મોરબી, વઢવાણ, આહવા, ભરૂચ, નવસારી, રાજપીપળા, વલસાડ, વ્યારા, આણંદ, છોટા ઉદયપુર, દાહોદ, ગોધરા, લુણાવાડા અને નડિયાદમાં 5જી હાઈસ્પીડ સેવા શરૂ થઈ છે.
આ સિવાય અન્ય રાજ્યોના શહેરની વાત કરીએ તો મુંબઈ, પૂણે, નાગપુર, કોલકત્તા, સિલિગુડી, લખનઉ, વારાણસી, દિલ્હી, ચેન્નાઈ, બેંગલુરૂ, હૈદરાબાદ, જયપુર, પાનીપત, ગુવાહાટી, કોચ્ચી, પટના, વિશાખાપટ્ટનમમાં પણ 5જી સેવાનો શુભારંભ થઈ ચૂક્યો છે.
BSNL ટૂંક સમયમાં 5G લોન્ચ કરશે
કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે ગુરુવારે CII (ભારતીય ઉદ્યોગ સંઘ)ના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે BSNL પણ ટૂંક સમયમાં 5G સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. આ માટે, BSNL ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ સાથે મળીને કામ કરશે અને દેશભરમાં લગભગ 1.35 લાખ ટાવર લગાવવામાં આવશે. આ બધામાં 5 થી 7 મહિનાનો સમય લાગી શકે છે.
PM મોદીએ 5G સેવા કરી હતી લોન્ચ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબરે દેશમાં 5જી સેવા શરૂ કરી હતી. આ ટેક્નોલોજીના કારણે યુઝર્સને વધુ સારી મજબૂત ઈન્ટરનેટ સ્પીડ મળી રહી છે અને હવે લોકોને સ્લો ઈન્ટરનેટ અને બફરિંગ વીડિયોથી મુક્તિ મળી છે.