દ્વારકા ખંભાળિયા29 મિનિટ પહેલા
- કૉપી લિંક

કોરોનાની સંભવિત સ્થિતિને ધ્યાને લઇને રાજ્ય સરકાર તેમજ તમામ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત જનરલ હોસ્પિટલમાં પણ મોકડ્રિલ યોજાઇ હતી. આ મોકડ્રિલમાં સાંસદ પૂનમ માડમે ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તમામ પ્રકારની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં જિલ્લા સાંસદ પૂનમ માડમે કોવિડ વોર્ડની મુલાકાત લીધી હતી. અહીં ઑક્સીજન પ્લાન્ટ, બેડ, કોવિડ ટેસ્ટિંગ માટે કીટની ઉપલબ્ધિ, દવાઓ, એમ્બ્યુલન્સ, વેન્ટિલેટર સહિત તમામ પ્રકારના સાધનોનું નિરીક્ષણ કર્યું હતું. દર્દીઓની તમામ જરૂરિયાતને પહોંચી વળવા અંગે હોસ્પિટલના ડોકટરોને સૂચનો કર્યા હતા.

હોસ્પિટલમાં ઓપીડી વિભાગ તેમજ દાખલ દર્દીઓના પરિજનો સાથે સાંસદે વાતચીત કરી, જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે હોસ્પિટલના સ્ટાફને જરૂરી સૂચનો કરી, દર્દીઓની પૂરતી તકેદારી રાખવા પણ જણાવ્યું હતું.

સાંસદ પૂનમ માડમે જણાવ્યું હતું કે, લોકો કોરોના અંગે સાવચેત રહે તે હેતુથી આજે દેશભરમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ સુવિધાઓ છે. સાથે સાથે લોકોને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા, બુસ્ટર ડોઝ લેવા, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સુરક્ષિત રહેવા પણ તેમણે અપીલ કરી હતી.

જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલી આ મોકડ્રિલમાં જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન, જિલ્લા આરોગ્ય અધિકારી, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.



