https://images.bhaskarassets.com/web2images/960/2023/01/18/orig_thandi_1674003415.jpg
અમદાવાદ5 મિનિટ પહેલા
- કૉપી લિંક

- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ઠંડીથી રાહત મળવાની શક્યતા
- પવનની દિશા બદલાતા 24 કલાકમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થયો
હિમાલયના કાતિલ ઠંડા પવનોથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, હજુ આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. જો કે, પાકિસ્તાનની આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેની અસરોથી ગુરુવારથી સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો 2થી 5 ડિગ્રી વધશે, જેને કારણે રાજ્યમાં ઠંડીનું જોર ઘટવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હિમાલય તરફથી ફૂંકાતા ઠંડા બર્ફીલા પવનોથી છેલ્લાં ચાર દિવસથી અમદાવાદમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જો કે, મંગળવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી પવનની દિશા બદલાતા અમદાવાદનું મહત્તમ તાપમાન 26.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધીને 9.7 ડિગ્રી નોંધાયું હતું. તેમ છતાં દિવસ દરમિયાન ચાલુ રહેલાં કાતિલ ઠંડા પવનોને કારણે દિવસ દરમિયાન લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો.
જો કે, આગામી 24 કલાક શહેરમાં ઠંડીનું જોર યથાવત રહ્યાં બાદ ગુરુવારથી ઠંડીમાં ક્રમશ ઘટાડો થતાં ઠંડીથી રાહત મળશે. નલિયામાં સૌથી વધુ 2.4 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. અમદાવાદ સહિત 9 શહેરોમાં ઠંડીનો પારો 10.0 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહ્યાં બાદ ઘટવાની શક્યતા છે.