વડોદરા41 મિનિટ પહેલા
- કૉપી લિંક

કેતન ઇનામદારનો ભાઈ સંદિપ અને ફરિયાદી અનિલ મિસ્ત્રી.
વડોદરા જિલ્લાના સાવલીમાં ધૂળેટીના દિવસે ટેપનો અવાજ ધીમો કરવા બાબતે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા યુવાનને સાવલીના ભાજપના ધારાસભ્યના ભાઈ સંદિપ ઇનામદાર સહિત ચાર વ્યિક્તિઓએ માર માર્યો હતો. પુત્રને માર માર્યો હોવાની જાણ થતાં દોડી ગયેલા પિતાને પણ ચારેય વ્યક્તિઓએ પટ્ટાથી ઢોર માર માર્યો હતો. જેમાં તેઓની આંખ ફૂટતા બચી ગઈ હતી. આ બનાવ અંગે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સાવલી પોલીસે ફરિયાદના આધારે છાકટા બનેલા સંદિપ ઇનામદાર સહિત ચારેયની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
ફરિયાદી સુથારી કામ કરે છે
સાવલી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, સાવલીમાં ભાલાવાડી ખડકીમાં અનિલકુમાર પ્રેમશંકર મિસ્ત્રી (ઉં.વ.56) રહે છે અને છૂટક સુથારી કામ તેમજ કન્સ્ટ્રક્શનનું કામ કરીને ગુજરાન ચલાવે છે અને પત્ની હિનાબહેન, મોટા પરિણીત પુત્ર પાર્થ તેના પરિવાર તેમજ નાના પુત્ર ચિંતન ઉર્ફ ચિન્ટુ (ઉં.23) સાથે રહે છે.
મારના ડરથી પુત્ર ભાગી ગયો
અનિલકુમાર મિસ્ત્રીએ સાવલી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, બે માસ પહેલાં સાવલી ખાતે આવેલી સાંઇ હોસ્પિટલની નીચે ભાડાની દુકાન રાખીને પાર્થ તેમજ ચિંતન ઉર્ફ ચિન્ટુ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તા.8 માર્ચના રોજ ધૂળેટીના દિવસે 10:30 વાગ્યાના સુમારે ચિંતન ઉર્ફ ચિન્ટુએ મને ફોન કરીને જણાવ્યું હતું કે, આપણી દુકાને સંદિપ મહેન્દ્રભાઇ ઇનામદારે મારી સાથે મારામારી કરી છે. હું દુકાન ખુલ્લી મૂકીને ભાગી ગયો છું. તમે દુકાન બંધ કરી દેજો. ટેપનો અવાજ ધીમો કરવા બાબતે માર માર્યો હતો.
બેલ્ટથી માર માર્યો
પુત્ર ચિંતને રડમસ અવાજે ફોન કરતા પિતા અનિલભાઇ મિસ્ત્રી તુરંત જ એક્ટિવા લઇને દુકાને પહોંચ્યા હતા. તે વખતે હું કઇ બોલુ તે પહેલા જ સંદિપ મહેન્દ્રભાઇ ઇનામદાર, ચિંતન બારોટ, ચેતન વાળંદ અને હિરેન વાળંદે અપશબ્દો બોલીને મારવાનું શરૂ કરી દીધું હતું. જેમાં ચેતન વાળંદે તેનો બેલ્ટ કાઢીને મારવાનું શરૂ કર્યું હતું. બેલ્ટનું બક્કલ ડાબી આંખ અને કાન ઉપર વાગતા ઇજા પહોંચી હતી.
સ્થાનિક લોકો હોસ્પિટલ લઇ ગયા
સંદિપ ઇનામદાર સહિત ચારેય લોકો અનિલભાઇને એક સાથે મારતા જોઇ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને છોડાવ્યા હતા. ચારેય વ્યક્તિઓ દ્વારા મારવામાં આવેલા મારમાં બંને પગ અને હાથ ઉપર પણ ઇજા પહોંચી હતી. દરમિયાન પુત્ર ચિંતન તેમજ બચાવવા માટે આવેલા સ્થાનિક લોકો હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા.
ડાબી આંખમાં ગંભીર ઇજા થઈ
સ્થાનિક તબીબે આંખની તપાસ કરતા જણાવ્યું હતું કે, આંખમાં વધારે ઇજા હોવાથી સ્પેશ્યાલિસ્ટને બતાવવું પડશે. સ્થાનિક તબીબની સલાહ મુજબ વડોદરા ખાનગી હોસ્પિટલમાં આંખની સારવાર કરાવી હતી. સદભાગ્યે આંખ ફૂટી જતા બચી ગઈ હતી. હાલમાં પણ આંખની સારવાર ચાલી રહી છે. આંખમાં લોહી જામી ગયું છે.
સાવલી પોલીસ મથકમાં ફરિયાદ
આ ઝઘડા બાબતે સમાજના લોકો વચ્ચે પડતા સમાધાનની વાત શરૂ થઇ હતી. પરંતુ, સમાધાન ન થતાં, આખરે અનિલભાઇ મિસ્ત્રીએ સાવલી પોલીસ મથકમાં સંદિપ મહેન્દ્રભાઇ ઇનામદાર (રહે. સાવલી), ચિંતન બારોટ (રહે. વડોદરા), ચેતન લક્ષ્મણભાઇ વાળંદ (રહે. સાવલી ટાઉન) અને હિરેન લક્ષ્મણ વાળંદ (રહે. સાવલી ટાઉન) સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના ભાઇ સંદિપ ઇનામદાર સહિત ચાર વ્યક્તિઓ સામે મારામારીની ફરિયાદ નોંધાતા સાવલીનગરમાં ચકચાર મચી ગઇ છે.