વડોદરા32 મિનિટ પહેલા
- કૉપી લિંક
આજે 52મા દિવસે વડોદરાનાં હરણી તાલુકાની ગુમ ટ્વીન્સ બહેનોના CCTV ફૂટેજ સામે આવ્યા છે. વડોદરાની એક દુકાનમાં આ બંને બહેનો અવર-જવર કરતી નજરે પડી. વડોદરા પોલીસ દ્વારા MSUથી લઈ હરણી સુધીના માર્ગના સંખ્યાબંધ CCTV ફૂટેજ ચકાસ્યા. હરણી રહેતી ચીમન વણકરની બે દીકરીઓ ગત 17 મી ફેબ્રુઆરીથી ગુમ થઈ છે અને બંને દીકરીઓને શોધવા પિતા અને પરિવાર સતત રઝળપાટ કરે છે.
ક્રાઇમ બ્રાન્ચના ACP એચ પી રાઠોડે અપીલ કરી
આ ગુમ બહેનોને શોધવા પોલીસની ચાર ટીમો બનાવાઈ. ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ, CCTV, મોબાઇલ કોલ ડિટેલ, બેન્ક ડિટેલ થકી બંને બહેનોનું પગેરું મેળવવા કોશિશ કરી. બંને બહેનોની વહેલી તકે ભાળ મળી જશે તેવી ક્રાઇમ બ્રાન્ચને આશા છે. જે કોઈ વ્યક્તિને બંને બહેનો વિશેની માહિતી હોય તેઓએ ક્રાઇમ બ્રાન્ચ ને જાણ કરવા વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ACP એચ પી રાઠોડે અપીલ કરી હતી.

‘મારી દીકરીઓ શોધી આપો’
50 દિવસ પૂર્વે ગુમ થયેલી કોલેજિયન બે જોડિયાં બહેનો મળી ન આવતાં પરિવારજનો ચિંતાતુર છે. છેલ્લા પંદર દિવસથી ક્રાઇમ બ્રાન્ચ બે જોડિયાં બહેનોની તપાસ કરી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે જોડિયાં બહેનોની શોધખોળ માટે કેલિફોર્નિયાથી તેઓના વોટ્સએપ ડેટા મંગાવ્યા છે. પરંતુ 50 દિવસથી ગુમ દીકરીઓની કોઇ ભાળ મળતી ન હોઇ, ચિંતિત પિતાએ આજે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને સ્થાનિક મહિલા ધારાસભ્યને “મારી દીકરીઓ શોધી આપો” તેવી અપીલ કરતી લેખિત રજૂઆત કરી છે.

નિરાશાજનક જવાબો મળે છે
વડોદરા હરણી વિસ્તારમાં રહેતા ચીમન વણકર સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ બે પુત્રો અને બે જોડિયા 23 વર્ષીય દીકરીઓ સારિકા અને શીતલ સાથે રહેતા હતા. બંને જોડિયાં દીકરીઓ ગુમ થયા બાદ બે પુત્રો સાથે રહે છે અને દીકરીઓ વહેલી તકે મળી જાય તેની ચિંતામાં દિવસો પસાર કરી રહ્યા છે. સમયાંતરે પહેલાં સયાજીગંજ પોલીસ મથકમાં તપાસ કરતી પોલીસ ટીમને અને હવે ક્રાઇમ બ્રાન્ચના તપાસ અધિકારીને દીકરીના સગડ અંગે પૂછપરછ કરી રહ્યા છે. પરંતુ, તેઓને નિરાશાજનક જવાબ મળી રહ્યો છે.
સયાજીગંજમાં ફરિયાદ આપી હતી
ચીમનભાઇ વણકરે જણાવ્યું હતું કે, મારી બે જોડિયાં દીકરીઓ સારિકા અને શીતલ 17 ફેબ્રુઆરી 23ના રોજ સવારે કોલેજ જવાનું જણાવીને નીકળી હતી. રોજ સાંજે 4-30 વાગે પરત ઘરે આવી જતી દીકરીઓ તે દિવસે પરત ન આવતા ફોન ઉપર તેઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ફોન સ્વિચ ઓફ આવતો હતો. આથી પ્રથમ હરણી પોલીસ મથકમાં ફરિયાદ આપવા ગયો હતો. પરંતુ, દીકરીઓ કોલેજ ગયા બાદ ગુમ થઇ હોવાથી મોડી સાંજે સયાજીગંજ પોલીસ મથકમાં બંનેના ફોટા આપી ગુમ થયાની ફરિયાદ આપી હતી. આજે દીકરીઓને ગુમ થયાને 50 દિવસ થઇ ગયા. પરંતુ, દીકરીઓની કોઇ ભાળ મળી નથી.

ગુમશુદા શીતલની ફાઇલ તસવીર
વર્તમાન સ્થિતિ જોઇને વધુ ચિંતા થાય છે
ભારે હૈયે ચીમનભાઇ વણકરે જણાવ્યું હતું કે, મારી બે દીકરીઓ પૈકી સારિકા એમ.એસ. યુનિવર્સિટીમાં M.A.પ્રથમ વર્ષમાં છે. અને બીજી દીકરી શીતલ SNDT કોલેજમાં BAના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં બંને દીકરીઓ હોશિયાર છે. સામાજિક જ્ઞાન પણ છે. છતાં, બંને દીકીરોઓ મને અને તેના બે ભાઇઓને છોડીને ક્યાં ચાલી ગઇ. તેની મને ખબર નથી. બંને દીકરીઓની ખૂબ ચિંતા થાય છે. હાલમાં બની રહેલા અજુગતા બનાવોને લઇ વધુ ચિંતા થાય છે.
ખરાબ વિચારો મને કોરી ખાય છે
જુવાન દીકરીઓની ચિંતામાં દિવસો પસાર કરી રહેલા ચીમનભાઇ વણકરે જણાવ્યું કે, કોઇ અજાણી વ્યક્તિનો ફોન આવે છે, ત્યારે મનમાં એક ક્ષણે એવો વિચાર આવી જાય છે કે, મારી દીકરીઓનો ફોન હશે? કોઇ મારી ગુમ દીકરીઓની માહિતી આપવા ફોન કર્યો હશે? દીકરીઓની ભાળ મળી ગઇ છે, તમે પોલીસ સ્ટેશનમાં આવી જાવ. તે કહેવા માટે પોલીસ ખાતામાંથી ફોન આવ્યો હશે? પણ જ્યારે ફોન ઉપાડું ત્યારે કોઇ બીજી જ વાત સાંભળી નિરાશ થઇ જાઉં છું. મને મારી દીકરીઓની બહુ યાદ આવે છે. ક્યારે મળશે? ક્યારે ઘરે પરત ફરશે? હવે ક્યારેય નહીં મળે? તેવા પણ વિચારો મને કોરી રહ્યા છે.

ટ્વિન્સ દીકરીઓના પિતા ચીમનભાઈ વણકર.
તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ
તેમણે ઉમેર્યું હતું કે, મારી દીકરીઓની કોઇ ભાળ ન મળતા મેં પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. પોલીસ કમિશનરે મારી રજૂઆતને ધ્યાનમાં લઇ સયાજીગંજ પોલીસ પાસેથી તપાસ લઇને આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ છેલ્લા પંદર દિવસથી તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ, ક્રાઇમ બ્રાન્ચને હજુ સુધી મારી ગુમશુદા દીકરીઓની કોઇ માહિતી મળી નથી. દીકરીઓની ચિંતામાં દિવસો પસાર કરવા મુશ્કેલ થઇ ગયા છે. રાતદિવસ દીકરીઓની ચિંતા થાય છે. ઊંઘ પણ આવતી નથી. દીકરીઓ મળી જાય તે માટે બાધાઓ પણ રાખી છે. પરંતુ, દીકરીઓના કોઇ સમાચાર નથી.
અલગ-અલગ એંગલ દ્વારા તપાસ
જોકે, ક્રાઇમ બ્રાંચ દ્વારા 50 દિવસથી ગુમ બે જોડિયાં બહેનો સારિકા અને શીતલની ભાળ મેળવવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યું છે. ક્રાઇમ બ્રાંચે ગુમશુદા બંને બહેનોના વોટ્સએપ ડેટા મેળવવા માટે કેલિફોર્નિયામાં કાર્યવાહી કરી છે. હજુ વોટ્સએપ ડેટા આવ્યા નથી. ક્રાઇમ બ્રાંચ દ્વારા અલગ-અલગ એંગલ દ્વારા ગુમશુદા દીકરીઓની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં પોલીસ દ્વારા જોડિયાં સારિકા અને શીતલને તેના પરિવાર તરફથી કોઇ દુઃખ હતું કે નહિં? જ્યારે બંને બહેનો જતી રહી તે દિવસે અથવા તે પૂર્વે તેના પરિવાર દ્વારા કોઇ બાબતે ઠપકો આપવામાં આવ્યો હતો કે કેમ? જેવા વિવિધ એંગલો ઉપર પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

વહેલી તકે દીકરીઓને શોધો
સારિકા અને શીતલ ગુમ થયાને 50 દિવસ થઇ ગયા હોવા છતાં, તેઓની કોઇ ભાળ ન મળતાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ શહેર વાડીના ધારાસભ્ય મનિષાબહેન વકીલને લેખિત રજૂઆત કરી છે. જેમાં મે અપીલ કરી છે કે, મારી દીકરીઓને શોધી આપો. વહેલી તકે મારી દીકરીઓ મળી જાય બસ એ જ મારી પ્રાર્થના છે.
પિતાને નડિયાદના કિશન પર શંકા
ચીમનભાઇ વણકરે જણાવ્યું હતું કે, મારી ગુમશુદા બે દીકરી પૈકી એક દીકરીને નડિયાદમાં રહેતા કિશન નામનો યુવક શારીરિક અને માનસિક ત્રાસ આપી લગ્ન માટે દબાણ કરતો હતો. દીકરી કોલેજમાં જાય ત્યારે કિશન પીછો કરી ધમકી આપતો હતો. જેથી કિશન મારી બંને દીકરીને કોઈ લાલચ અથવા બ્લેકમેઇલ સાથે અપહરણ કરી નાસી છૂટ્યો હોવાની શંકા છે. આ અંગે પોલીસમાં પણ રજૂઆત કરી છે. પોલીસ આ દિશામાં તપાસ કરે તો મારી ગુમશુદા બંને દીકરીઓ સારિકા અને શીતલ મળી જાય તેમ છે.