28 મિનિટ પહેલા
ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ આજે કોંગ્રેસમાં જોડાયા છે. એક સમયે ભાજપના સંકટમોચક કહેવાતાં જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યાના 21 દિવસ બાદ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. ગઈ 4 નવેમ્બરે ભાજપને રામ રામ કર્યા હતા. આજે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં વિધિવત જોડાયા છે. તેઓ તેમના સમર્થકો સાથે કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા. તેમને ખડગેએ ખેસ પહેરાવ્યા બાદ સાલ ઉઢાડીને સન્માન કરી અને સ્વાગત કર્યું હતું. તેઓ 32 વર્ષ સુધી ભાજપમાં રહ્યા હતા અને મંત્રી, પ્રવક્તા સહિતના ઉચ્ચ હોદ્દાઓ પર રહ્યા હતા.
વ્યાસે સિધ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો
ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસ ગઈકાલે 20 દિવસ બાદ ભાજપ સામે ઉતર્યા છે અને સિધ્ધપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કર્યો હતો. તેઓ સિધ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ આપવા ગયા હતા. પરંતુ તેમને ટિકિટ મામલે નકારાત્મક ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. ત્યારબાદ તેઓ અશોક ગેહલોતને મળ્યા હતા. ત્યારબાદ તેમણે રાજીનામું આપ્યું હતું.

ગેહલોત સાથેની મુલાકાત ચર્ચામાં રહી
એક તરફ કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદ જાહેર કરી અને તેના થોડા સમય બાદ જ મોડી રાતે જ જયનારાયણ વ્યાસે ભાજપને રામ રામના સમાચાર વાયુ વેગે પ્રસર્યા હતા. રાજીનામું આપ્યું તેના થોડા દિવસ પહેલા જયનારાયણ વ્યાસે અમદાવાદ સર્કિટ હાઉસમાં અચાનક રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના ખાસ ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. તેઓ આગામી ચૂંટણીમાં કોંગ્રેસના સિધ્ધપુર બેઠક પરથી ઉમેદવારી કરશે એવી ચર્ચા હતી. જોકે, વ્યાસે ગેહલોત સાથેની તેમની મુલાકાત બાદ માત્ર એટલું જણાવ્યું કે, નર્મદાને લઇને તેઓ જે પુસ્તક લખી રહ્યા છે તે માટે પરામર્શ અર્થે તેઓ ગેહલોતને મળ્યા હતા.

ગુજરાતની જનતા કોંગ્રેસ સાથે જોડાઇ રહી છે
મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, હું પહેલા એકવાર ગુજરાતમાં આવી ગયો હતો, એક જ મહિનામાં ફરી એકવાર ગુજરાત આવ્યો છું. આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ છે, અમારા તમામ નેતાઓ દરેક જગ્યાએ પ્રચાર કરી રહ્યા છે. ભાજપ તરફથી ખૂબ જ ખોટો પ્રચાર કોંગ્રેસ સામે, કાર્યક્રમો વિરૂદ્ધ થઇ રહ્યો છે. આ ચૂંટણી ગુજરાતની જનતાની ચૂંટણી છે. ગુજરાતી ખૂબ હોશિયાર છે, કન્યાકુમારીથી કાશ્મીર સુધી ગુજરાતીઓ પહોચી ગયા છે. દરેક સારા હોદ્દાઓ પર ગુજરાતી છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલના રાજ્યમાં તેમનું નામ લઈને કોંગ્રેસ પર એટેક કરે છે. આજે મને ખબર પડી છે કે, ગુજરાતની જનતા કોંગ્રેસ સાથે જોડાઇ રહી છે એવી ભાજપના લોકોને ખબર પડી ગઈ છે.

ભાજપના રાષ્ટ્રીય નેતાઓ શેરીએ શેરી ફરી રહ્યા છે
વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય નેતાઓ શેરીએ શેરી ફરી રહ્યા છે. ભાજપમાં લોકો ડરી ગયા છે, નેતાઓ અને વડાપ્રધાન પણ પ્રચારમાં ફરી રહ્યા છે. વડાપ્રધાન વારંવાર કહે છે કે, ગુજરાતમાં મેં બનાવ્યું છે તો કોંગ્રેસના નેતાઓએ કઈ જ કર્યું નથી? કોંગ્રેસે 70 વર્ષમાં કઈ કર્યું જ નથી તેવું વાંરવાર કહેતા રહે છે. કોંગ્રેસના લોકો જેલમાં ગયા, ફાંસીએ ચડ્યા અને સ્વતંત્રતા અપાવી છે. કોંગ્રેસની કામગીરી સામે તમે એના ફળો ખાઈ રહ્યા છો. ભાજપની આખી ફોજ ગુજરાતમાં પ્રચારમાં લાગી ગઈ છે. બીજાની ખોટી વાતો કરવી, ખોટો પ્રચાર કરવો એ યોગ્ય નહીં ગરીબોને તબાહ કરી રહ્યા છો.

મહિલાઓ અને બાળકોને નથી છોડ્યા
વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક જરૂરિયાત પર તમે ટેક્સ લગાવી રહ્યા છો. ઇન્વેસ્ટમેન્ટના આંકડાઓ ઓન મારી પાસે છે, પરંતુ રાજ્યને રોકાણ મળ્યું નથી. નાના વેપારીઓને, લઘુ ઉદ્યોગને મદદ કરતા તો લાભ થઈ શકે છે. પરંતુ તમે કોઈને લાભ આપ્યો નથી. મહિલાઓ અને બાળકોને નહીં છોડ્યા તો વેપારીઓને નહીં છોડ્યા, જીતેલા પક્ષોના નેતાઓને તોડીને સરકાર બનાવો છો. સંવિધાનમાં લખ્યું છે કે મોદી સરકાર આવે તો તે પક્ષ પલટો કરાવીને સરકાર બનાવી શકશે. ભ્રષ્ટાચારી લોકોને વોશિંગ મશીનમાં નાખીને સાફ કરી દે છે.