AHMEDABAD: બાપુનગરમાં બંદુકની અણીએ કરાયેલી 20 લાખની લૂંટ કેસમાં પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. પોલીસને હાથ લાગેલા સીસીટીવી ફુટેજમાં લૂંટારૂ દેખાઈ રહ્યા છે. ક્રાઈમબ્રાંચે ચાર ટીમો બનાવી આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
અમદાવાદના બાપુનગર ડાયમંડ માર્કેટમાં 20 લાખની લૂંટ કેસમાં પોલીસને મહત્વની કડી મળી છે. 20 લાખની લૂંટ કેસના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં આરોપી લૂંટ ચલાવી ફરાર થતો નજરે ચડે છે. મહત્વપૂર્ણ છે કે બાપુનગરમાં ચકચારી લૂંટ કેસના આરોપીઓને ઝડપવા ક્રાઈમ બ્રાન્ચની 4 ટીમો કામે લાગી છે.
બંદુકની અણીએ 20 લાખ રુપિયાની લૂંટ
બાપુનગરના હીરા બજારમાં આવેલા ખોડીયાર ચેમ્બરમાં આર અશોક નામની આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 20 લાખની લૂંટ કરીને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. બંદુકની અણીએ હવામાં ફાયરીંગ કરીને લૂંટને અંજામ આપ્યો. સોમવારે સવારે આર અશોક આંગડીયા પેઢીનો કર્મચારી નિકોલથી 20 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને બાપુનગર ખાતે આવેલી ઓફિસમાં આવ્યો હતો. કર્મચારી સીડીઓ ચઢીને ઓફિસ જાય તે પહેલા બે લૂંટારાએ બંદૂકની અણીએ રૂપિયા 20 લાખ ભરેલા બેગની લૂંટ કરી. કર્મચારીએ બુમાબુમ કરતા આરોપીએ હવામાં ફાયરીંગ કરીને નાસી ગયા હતા.
લૂંટારો જાણભેદુ હોવાની શંકા
લૂંટ અને ફાયરિંગથી સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ બાપુનગર પોલીસ તેમજ ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયા હતા. જ્યા તેમણે કર્મચારીની ફરિયાદના આધારે લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. જેમાં કર્મચારી પણ શંકાના દાયરામાં છે. કારણ કે તેની પાસે વીસ લાખ રૂપિયા છે તેની જાણ લૂંટારૂઓને કેવી રીતે હોઈ શકે છે. જેથી કર્મચારી તેના ઘરેથી નીકળ્યો અને નિકોલથી રૂપિયા લઈને ઓફિસ સુધી પહોંચ્યો તેના સીસીટીવી ફુટેજની પોલીસે તપાસ શરૂ કરી છે. આ લૂંટમાં કોઈ જાણભેદુ હોવાની શક્યતાને લઈને ક્રાઈમ બ્રાંચે તપાસ તેજ કરી છે