અમદાવાદ/સુરત24 મિનિટ પહેલાલેખક: કેતનસિંહ રાજપૂત
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર
- ગત વર્ષના એપ્રિલથી ડિસે.ના 53,476 કરોડની સરખામણીએ આ વર્ષે 9 મહિનામાં 70,711 કરોડ ટેક્સ ભર્યો
- રિફંડ લેવામાં ગુજરાતીઓ આગળ, ગત વર્ષની તુલનામાં 4,659 કરોડ વધુ રિફંડ મેળવ્યું
- માત્ર 9 મહિનામાં જ ગુજરાતની ટેક્સ આવક 32% વધી
- ઇન્કમટેકસના આંકડામાં સામાન્ય માણસ અને પગાર દારની આવકમાં પણ વધારો દેખાયો છે.
તાજેતરમાં વર્ષ 2022-23ના નાણાકીય વર્ષના 9 માસ પૂરા થતા ગત વર્ષની સરખામણીએ કોર્પોરેટ ટેકસમાં 36 ટકાનો, એડવાન્સ ટેકસમાં 21 ટકાનો, પર્સનલ ટેકસમાં 18 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે ગુજરાતીઓએ શેરબજારમાં કરેલા રોકાણો અને વ્યવહારો પર ગત વર્ષ કરતા 700 ટકા વધારે ટ્રાન્ઝેક્શન ટેકસ ચૂકવ્યો છે. આમ ગુજરાત કોરોના પહેલાની સ્થિતિ પર આવીને વેપાર ધંધા થવા લાગ્યા છે. ઇન્કમટેકસના આંકડા પ્રમાણે ગુજરાત વિકાસના પંથે છે. કોરોના બાદ એડવાન્સ ટેકસ ભરવાનો પ્રવાહ વધ્યો છે. તા. 15 ડિસેમ્બરના એડવાન્સ ટેકસના હપ્તા બાદ રૂ. 5,160 કરોડનો ટેકસ ગત વર્ષ કરતા વધારે આવ્યો છે.
ગત વર્ષની સરખામણીએ વર્ષ 2022-23 માં 21 ટકા જેટલો વધારે એડવાન્સ ટેકસ ભર્યો છે. ગત વર્ષે રૂ. 24,747 કરોડની સામે આ વર્ષે રૂ. 29,907 કરોડ એડવાન્સ ટેકસ ભરાયો છે. કોર્પોરેટ ટેકસ એટલે કે કંપનીઓના ટેકસમાં 36 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે રૂ. 23,096 કરોડની સામે આ વર્ષે રૂ. 31,431 કરોડ ટેકસ ભરાયો છે. સામાન્ય માણસ અને પગારદારની આવકમાં પણ વધારો દેખાયો છે.
પર્સનલ ટેકસમાં ગત વર્ષે રૂ. 23,544 કરોડની સામે આ વર્ષે રૂ. 27,783 કરોડની આવક સાથે 18 ટકાનો વધારો દેખાડે છે. ગત વર્ષે ગુજરાતમાં ઇન્કમટેકસની ગ્રોસ આવક રૂ. 53,476 કરોડની સામે આ વર્ષે રૂ. 70,711 કરોડ થઇ છે. આમ રાજ્યમાં ગત વર્ષ કરતા લોકોએ 32 ટકા જેટલો વધારે ટેકસ ભર્યો છે. જ્યારે ડાયેરકટ ટેકસ ગત વર્ષે રૂ. 46,649 કરોડની સામે ચાલું વર્ષે રૂ. 59,224 કરોડ સાથે 27 ટકા જેટલો વધારો થયો છે. સી.એ. બિરજુ શાહ કહે છે કે, એડવાન્સ ટેકસ વધુ આવવો ટોટલ અર્થંતંત્ર માટે પણ સારી બાબત છે. સેલ્ફ એસેસમેન્ટમાં વ્યાજની ચૂકવણી પણ આવતી હોય છે. જે પણ લોકોએ યાદ રાખવું જોઇએ.
રાજ્યમાં કયા ટ્રેડમાં કેટલો ટેકસ લોકોએ ભર્યો. |
|||
ટ્રેડ | 2021-22 | 2022-23 | ટકા |
એડવાન્સ ટેકસ | 24,747 | 29,907 | 21% |
રિફંડ | 6,827 | 11,486 | 68% |
કોર્પોરેટ ટેકસ | 23,096 | 31,431 | 36% |
પર્સનલ ટેકસ | 23,544 | 27,783 | 18% |
સિક્યુરિટી ટેકસ | 0.1 | 0.8 | 700% |
ગ્રોસ કલેકશન | 53,476 | 70,711 | 32% |
(રકમ કરોડમાં) |
આવક વધવા પાછળનું કારણ
કોરોનાકાળ પછી ધંધા પડી ભાંગ્યા હોવાની બૂમરાણ વચ્ચે પણ સહજપણે ગુજરાતના ફાર્માસ્યૂટિકલ સેકટરની કંપનીઓની આવકમાં વધારો થયો છે. આ વર્ષે સારો વધારો આવ્યો હોવાથી તેમના થકી ટેકસની આવકમાં વધારો થયો છે. ફાર્માસ્યૂટિકલ્સની માફક જ કેમિકલ ઉદ્યોગ તરફથી પણ ગુજરાતના આવકવેરાની આવકમાં ઘણો મોટો ફાળો આવ્યો છે. – પથિક પટવારી, પ્રમુખ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ
ટ્રાન્ઝેક્શન ટેક્સની આવક 10 લાખથી વધીને 80 લાખ
રાજ્યમાં ગુજરાતભરમાં શેર બજારમાં વધારે રોકાણ અને શેર બજારની તેજીને કારણે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેકસમાં 700 ટકાનો વધારો જોવા મળ્યો છે. જે ગત વર્ષે રૂ. 10 લાખ સામે આ વર્ષે રૂ. 80 લાખ કલેકશન આવ્યું છે.
રાજ્યના લોકોએ કુલ 11,486 કરોડ રિફંડ મેળવ્યું
ગુજરાતીઓ રિફંડ લેવામાં પણ આગળ રહ્યાં છે. ગત વર્ષે રૂ. 6,827 કરોડની સામે ચાલુ વર્ષે રૂ. 11, 486 કરોડનું રિફંડ લીધું છે. જે ગત વર્ષની સરખામણીએ 68 ટકા જેટલું વધારે જોવા મળ્યું છે.