ગુજરાતમાં એક માત્ર સિમ્સ હોસ્પિટલ પાસે ફેફસાં ટ્રાન્સફરનું લાઇસન્સ છે અને આગામી સમયમાં એક જ જગ્યાએ મલ્ટિપલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે તેવું સિમ્સ હોસ્પિટલમાં સાચું સાબિત થશે તેમ હોસ્પિટલના ચેરમેન ડોક્ટર કેયૂર પરીખે જણાવ્યું હતું.ત્યારબાદ ડોક્ટર ધીરેન શાહે જણાવ્યું હતું કે ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું સિમ્સ હોસ્પિટલના ડોક્ટરોએ નક્કી કર્યું હતું. પરંતુ તે અત્યાર સુધી ગુજરાતમાં ક્યાંય પણ થયું ન હતું. કઈ રીતે કરવું, ક્યાંથી ડોનર મળશે, શું થઈ શકશે તે દરેક પાસાઓ ચકાસાઈ રહ્યાં હતાં.
ફેફસાં ટ્રાન્સપ્લાન્ટનું ડોક્ટરોએ નક્કી કર્યું
છેલ્લા એક મહિનાથી સિમ્સ હોસ્પિટલમાં સીરિયાનો એક દર્દી દાખલ હતો. જેનાં ફેફસાં નકામાં થઈ ગયાં હતાં. તેને એક મિનિટમાં 40 લિટર ઓક્સિજન આપવો પડતો હતો અને તે પથારીમાંથી બેઠો પણ થઈ શકતો નહોતો. ફેફસાંની બીમારીથી પીડાતા 41 વર્ષના સીરિયાના દર્દીની બે બહેનોને પણ આ જ બીમારીને કારણે નાની ઉંમરમાં જ મૃત્યુ થઈ ચૂક્યાં હતાં. આ બધાની વચ્ચે તેમનાં ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું સિમ્સ હોસ્પિટલના ડોક્ટરોએ નક્કી કર્યું.
ડોનર ક્યાંથી મળશે તે ખૂબ જ મોટી ચેલેન્જ હતી
સીરિયાથી આવેલા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમનાં ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે સિમ્સના ડોક્ટરો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ ડોનર ક્યાંથી મળશે તે જાણવું અને તે મેળવવું ખૂબ જ મોટી ચેલેન્જ હતી. આ દરમિયાન સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડોક્ટર કેયૂર પરીખે પોતાની ટીમ સાથે વાત કરી અને કહ્યું કે આપણે આ દર્દીને નવજીવન આપીશું જ. તેના માટે દરેક લોકો પ્રયાસ કરશે.
આ બધાની વચ્ચે કિસ્મતે પણ સાથ આપ્યો અને રાજકોટના એક વ્યક્તિનાં પરિવારજનો અંગદાન કરવા તૈયાર થયાં. પરંતુ રાજકોટથી અમદાવાદ લાવવા માટે ગ્રીન કોરિડોરમાં વાર લાગી શકે તેમ હતી. જેથી ચાર્ટર પ્લેનની મદદથી રાજકોટથી હાર્ટ અને ફેફસાં અમદાવાદ લાવવામાં આવ્યાં હતાં.
બંને ઓર્ગન ટ્રાન્સપ્લાન કરવાં જરૂરી હતાં
આ ઓપરેશન અને ટ્રાન્સપ્લાન્ટ એકદમ ફાસ્ટ સર્જરી હતી. એટલે કે આમાં જો એકપણ ચૂક થાય તો આખી સર્જરી પર પાણી ફરી વડે તેમ હતું. પણ એક્સપર્ટની ટીમ બંને તરફ કામ કરી રહી હતી. બે ડોક્ટરની ટીમ રાજકોટમાં મૃતકનાં ડોનેશન મળેલાં અંગો ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રક્રિયા કરવા માટે સર્જરી કરી રહી હતી.
ત્યારે સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીને જે ઓર્ગન મળવાનાં હતાં તે માટે અહીંયા બીજા ડોક્ટરોની ટીમ બીજા ઓપરેશન થિયેટરમાં કામ કરી રહી હતી. ગણતરીના કલાકોમાં આ બંને ઓર્ગન ટ્રાન્સપ્લાન કરવાં જરૂરી હતાં. એટલે કે સતત એક પણ પળની રાહ જોયા વગર તેમણે આ ઓર્ગન ડોનેશન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ગણતરીના કલાકોમાં પૂરું કર્યું હતું.
હૃદય બિલિમારોના 41 વર્ષના દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું
રાજકોટના 47 વર્ષીય વ્યક્તિનું બ્રેન હેમરેજ થતા વોકહાર્ડમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ રિકવરી ન થતાં તેમને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેને પગલે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન (રાજકોટ) ના ડો. દિવ્યેશ વિરોજા અને ડો. સંકલ્પ વણઝારાએ બ્રેનડેડ વ્યક્તિનાં સગાઓને અંગદાન કરવા માટે સમજાવ્યા હતા.
ઓર્ગન ડોનેશન માટે તૈયાર થતા તેમનું હાર્ટ, લંગ્સ, લિવર, કિડની અને આંખનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાંથી હૃદયનું બિલિમારોના 41 વર્ષના દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જ્યારે ફેફસાં સીરિયાના વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતાં.
ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરાતા દર્દીને નવજીવન મળ્યું
ડોક્ટર કેયૂર પરીખે જણાવ્યું હતું કે અમારે ત્યાં દાખલ દર્દીને સમયસર ઓર્ગન મળી જાય તે માટે તમામ પ્રયાસો કરવાની સૂચના આપી દેવામાં આવી હતી. અમારી ટીમ પણ રાહ જોયા વગર પહેલી વખત ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરી રહ્યા હતા. તેને સફળ સર્જરી બનાવી છે. આજે ટ્રાન્સપ્લાન્ટ કરેલા દર્દીને નવજીવન મળ્યું છે. આ સિમ્સની સફળતા છે.
ફેફસાં રાજકોટથી અમદાવાદ લાવ્યાં
ડૉ. ધવલ નાઈકે જણાવ્યું હતું કે આ ટ્રાન્સપ્લાન્ટ અમારા માટે અઘરું હતું. અમારા સામે ચેલેન્જ હતી. છતાં ટીમ રાજકોટ પહોંચી હતી અને એકસાથે અલગ અલગ સર્જરી કરવામાં આવી હતી. 6 થી 8 કલાક સુધી સર્જરી કરવામાં આવી હતી. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે તો હાર્ટ મૂકવાનું એક બોક્સ હોય છે. તે જ રીતે ફેફસાં માટે પણ અમે એક બોક્સ સાથે લઇ ગયા હતા.
જેમાં ફેફસાં રાખવામાં આવ્યાં હતાં. તે પણ એક માણસની જગ્યા રોકે તેટલું મોટું બોક્સ હતું. જે દર્દીનાં ફેફસાં કાઢ્યાં હતાં તેના અગાઉથી જ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. તે યોગ્ય આવતા જ અમે આગળ પ્રોસેસ કરી હતી. ફેફસાંને સોલ્યુશનથી સાફ કરીને તેને અમે ફુલાવીને જ રાજકોટથી અમદાવાદ લાવ્યા હતાં.
ટાઈમિંગ સાથે ઝીરો એરરમાં ટ્રાન્સપ્લાન્ટ પૂરું કર્યું
કેયૂર પરીખે વધુમાં જણાવ્યું હતું કે આજે ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ થયું તે સૌથી અઘરું છે. બે ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કરવું તે અઘરું છે. જે ગુજરાતમાં કોઈએ નથી કર્યું. ગત મહિને ફેફસાં, લીવર અને કિડની સાથે જુદા જુદા દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યાં હતાં. હવે એક જ દર્દીને અલગ અલગ હાર્ટ અને ફેફસાં જરૂરી હોય તે પણ બદલવામાં આવશે.
દુનિયામાં આંતરડાના ટ્રાન્સપ્લાન્ટ શરૂ થયાં છે તે પણ હવે અમે કરીશું. તે કર્યા પછી બધા ટ્રાન્સપ્લાન્ટ સિમ્સ હોસ્પિટલમાં થશે. ફેફસાં અને હાર્ટ બંને કરવા માટે ચેલેન્જ એ હતી કે એક જ દર્દીમાં હાર્ટ અને ફેફસાં કાઢતાં હતાં. જે દર્દીને જરૂર હતી તેમના પણ હાર્ટ અને ફેફસાં કાઢ્યાં હતાં. હવે તે દર્દીને બીજા હાર્ટ અને ફેફસાં આપવાનાં હતાં. તે માટે ચાર્ટડ પ્લેનમાં લઈને આવી રહ્યા હતા.
ટાઈમિંગ સાથે ઝીરો એરરમાં એક્સપર્ટ ડોક્ટરની ટીમે ટ્રાન્સપ્લાન્ટ પૂરું કર્યું હતું. જૂના કેસ પણ સ્ટડી કરીને અનુભવ લીધો હતો. આ ઉપરાંત વિશ્વ પ્રખ્યાત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડૉ. કુમુદ ધીતલ 3 વર્ષથી સિમ્સમાં જોડાયા છે. તેમના નેતૃત્વમાં આ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmeadabad News, Hospitals, Local 18, Surgery