પોરબંદરએક કલાક પહેલા
- કૉપી લિંક

ભાજપ શાસિત પોરબંદર-છાંયા નગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં કરોડો રૂપિયાના કુલ 83 જેટલા વહિવટી મંજુરીના વિવિધ એજન્ડાને બહુમતીના જોરે પસાર કરવામાં આવ્યા હતા. આ સામાન્ય સભા પણ દર વખતની જેમ રાષ્ટ્રગાન બાદ રજૂ કરાયેલ એજન્ડાની વિગતવાર ચર્ચા કર્યા વગર માત્ર મિનિટોની અંદર તમામ ઠરાવો પસાર કરી બેઠક પૂર્ણ કરી દેવાતા વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
આજની જનરલ બોર્ડની બેઠક અંગે સુધરાઈ સભ્ય મોહન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, આ જનરલ બોર્ડમાં નવા નાણાકીય વર્ષમાં વિવિધ વિભાગના ખર્ચની વહીવટી બાબતો હતી. જેઓને જનરલ બોર્ડમાં મંજુરી આપવામાં આવી હતી. તો સાથે જ પાલિકા દ્વારા આગામી સાતમ આઠમમાં યોજાતા લોકમેળા અંગે પણ રુપિયા દોઢ કરોડની રકમ ફાળવવામાં આવી છે.
તો બીજી બાજુ પાલિકાના વિપક્ષી નેતા ફારૂક સુર્યાએ આ સામાન્ય સભાને ફારસરુપ ગણાવી હતી અને જણાવ્યું હતું કે, સામાન્ય સભામાં શહેરના સ્થાનિક મુળભૂત પ્રશ્નો જેવા કે રસ્તા,પાણી અને સફાઈ સહિતના મુદ્દાઓ પર કોઈ પણ જાતની ચર્ચા કરવામાં આવી નથી. એજન્ડાની ચર્ચા કર્યા વગર અને વિપક્ષાના પ્રશ્નોના જવાબ આપ્યા વગર જ શાશક પક્ષના લોકો જતા રહ્યાં છે. સામાન્ય સભાની આ પ્રકારની કામગીરીને વિપક્ષે લોકશાહીની હત્યા સમાન ગણાવી હતી.