રાજકોટ16 મિનિટ પહેલા
ઉપલેટા-ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ભાજપમાં જોડાશે… ભાજપમાં જોડાશેની ચર્ચા જોરશોરથી ચાલતી હતી. પરંતુ આ ચર્ચા ખોટી સાબિત થઈ અને હવે ફરી ચૂંટણી જીત્યા બાદ જોડાશેની ચર્ચા શરૂ થતા લલિત વસોયાએ ખુલાસો કરતા જાહેરમાં હુંકાર ફેંક્યો હતો. તેમણે ધોરાજીમાં જાહેર સભામાં જનતાને કહ્યું હતું કે, ભાજપમાં જાવ તો મારી માનું ધાવણ લાજે, કદાચ કોંગ્રેસ સાથે નહીં ભડે ને તે દિવસે ખેતી કરવા મંડીશ, પણ ભાજપ ભેગો તો નહીં જ જાવ, કોંગ્રેસ સાથે અણબનાવ થશે તો ખેતી કરીશ બાકી આવા લોકો ભેગો નહીં જોડાવ.
ચૂંટણી જીત્યા બાદ ભાજપમાં જોડાશેની ચર્ચા શરૂ
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ જિલ્લાની 8 પૈકી એકમાત્ર ધોરાજી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા અને જે બાદ ધારાસભ્યોના પક્ષ પલટાની શરૂઆત થતા દરેક વખતે લલિત વસોયા ભાજપમાં જોડાય છે તેવી ચર્ચા જોરશોરથી ચાલતી હતી. પરંતુ આ વર્ષે ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસ પહેલા એટલે કે છેલ્લી ઘડી સુધી ટ્વીસ્ટ સર્જાયું હતું. લલિત વસોયા ભાજપમાં જોડાઇ છે તેવી ચર્ચા પણ થઈ હતી. પરંતુ કોંગ્રેસે ઉમેદવાર તરીકે લલિત વસોયા નામ જાહેર કરતા છેલ્લા દિવસે લલિત વસોયાએ ઉમેદવારી નોંધાવી હતી. જો કે આ પછી ફરી તેઓ ચૂંટણી જીત્યા બાદ ભાજપમાં જોડાશેની ચર્ચા શરૂ થઇ છે.

લલિત વસોયાની ઉપલેટામાં જાહેર સભા યોજાઈ હતી.
જાહેરસભામાં લલિત વસોયાએ છેદ ઉડાવી દીધો
ધારાસભ્ય લલિત વસોયાના ભાજપમાં જોડાવવાની વારંવાર થતી ચર્ચાઓ પરથી ગઈકાલે એક જાહેરસભામાં લલિત વસોયાએ છેદ ઉડાવી દીધો છે. ઉપલેટામાં પોતાની જાહેર સભામાં જણાવ્યું હતું કે, હજુ પણ ભાજપવાળા પાછા નથી ફરતા અને જીતી ગયા પછી ભાજપમાં જોડાઇશની હવા ઉડાવે છે. પણ હું મારી ખમીરવંતી જનતાને કહેવા માંગુ છું કે, જો હું ભાજપમાં જોડાવ તો મારી માનું ધાવણ લાજે. કોંગ્રેસ સાથે કદાચ ભવિષ્યમાં અણબનાવ બને તો ખેતી કરીશ બાકી આવા લોકો ભેગો નહીં જોડાવ.

જાહેર સભામાં લોકો સામે વસોયાએ હુંકાર કર્યો હતો.
કોણ છે લલિત વસોયા?
કોંગ્રેસનું મોટું માથું ગણાતા લલિત વસોયાનો જન્મ રાજકોટના ધોરાજી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ જસમતભાઈ વસોયા છે. રાજકીય કારકિર્દી ઉપરાંત તેઓ પોતે એક ખેડૂત પણ છે. જણાવી દઈએ કે તેમનો પરિવાર વારસાગત રીતે ખેતી સાથે જોડાયેલો છે. લલિત વસોયાના અભ્યાસની વાત કરવામાં આવે તો તેમણે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વર્ષ 1983માં એસવાયબીકોમનો અભ્યાસ કર્યો છે. આ સાથે જ તેમની રાજકીય ઈનિંગ પણ ખૂબ લાંબી રહી છે.

2017ની ચૂંટણીમાં લલિત વસોયા જીત્યા હતા
વર્ષ 2017માં કોંગ્રેસના લલિત વસોયા ખૂબ મોટા અંતરથી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલને ચૂંટણી હરાવવામાં સફળ રહ્યા હતા. લલિત વસોયા ધારાસભ્ય બન્યા બાદ તેઓ પક્ષપલટો કરશે તેવા અહેવાલોને લઈને પાછલાં પાંચ વર્ષ દરમિયાન સતત ચર્ચામાં જોવા મળી રહ્યા છે. લલિત વસોયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓની વચ્ચે ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં મહેન્દ્ર પાડલિયાનું નામ ધોરાજી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારની જાહેરાત કરતાં તમામ શક્યતાનો અંત આવ્યો છે. લલિત વસોયા આગામી 14 તારીખે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન રજૂ કરશે એવું તેમણે મીડિયાને જણાવ્યું હતું.
ધોરાજીના ઉમેદવારનું ભાવિ 2.68 લાખ મતદારના હાથમાં
ધોરાજી વિધાનસભા બેઠકના ઉમેદવારનું કૂલ 2,68,676 મતદાર ભાવિ નક્કી કરશે. ભાજપ, કોંગેસ, આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામવાનો છે. ધોરાજી ઉપલેટા-75 વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આ સીટમાં લેઉવા પટેલ, કડવા પટેલ, ઓબીસી,દલિત મુસ્લીમ સહિતના સમાજના મતદારો નિર્ણાયક બની રહ્યા છે, ત્યારે ધોરાજી વિધાનસભા બેઠકમાં પુરુષ 1,38,708, સ્ત્રી 1,29,766 સહિત કુલ 2,68,676 મતદાર છે, જેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવાના છે. ચૂંટણીતંત્ર દ્વારા 272 મતદાર મથક ખાતે મતદાન અંગે તૈયારીઓ હાથ ધરાઈ છે, જેમાં ધોરાજીનાં 125, ઉપલેટાનાં 147 મતદાન મથકો ખાતે મતદાન કરવામાં આવશે.

રૂપાણી સાથેની તસવીર પોતાના વોટ્સએપ સ્ટેટસમાં રાખી હતી.
1 જૂને વસોયા અને રૂપાણી વચ્ચે ગહન ચર્ચા થઈ હતી
ઉપલેટામાં 1 જૂને શહીદ વીર રમેશ જોગલની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજર રહ્યા હતા. આ સમયે વિજય રૂપાણી અને લલિત વસોયા એકબીજાની પાસે બેઠા હતા અને બન્ને વચ્ચે ગહન ચર્ચા થઈ હોય તેવી તસવીર પણ સામે આવી હતી.

લલિત વસોયા જયેશ રાદડિયા આયોજિત ભાગવત સપ્તાહમાં હાજરી આપી હતી.
જયેશ રાદડિયા આયોજીત ભાગવત સપ્તાહમાં હાજરી આપી હતી
તાજેતરમાં જ જામકંડોરણા ખાતે પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. જેમાં લલિત વસોયાએ હાજરી આપી હતી. જયેશ રાદડિયા દ્વારા લલિત વસોયાનું મોમેન્ટો આપી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્યારે વિજય રૂપાણી અને લલિત વસોયાએ ગહન ચર્ચા કરી હોય તેવી તસવીર સામે આવી હતી. આ જ તસવીર લલિત વસોયાએ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં મૂકી હતી.